ઓએનજીસીનું હેલિકૉપ્ટર તૂટી પડયું : પાંચ મૃતદેહ મળ્યા, બે લાપતા

 
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : ઓએનજીસીના પાંચ કર્મચારીઓ અને બે પાઇલટ પ્રવાસ કરી રહ્યા હતા. એ પવન હંસ હેલિકૉપ્ટર અરબી સમુદ્રમાં તૂટી પડયું હતું. બચાવ કામગીરી દરમિયાન પાંચ મૃતદેહો મળ્યા છે અને બીજા બે જણ ગાયબ છે.
હેલિકૉપ્ટર ડોફીન એનથ્રી જુહુ ઍરોડ્રોમથી બૉમ્બે હાઈની અૉઇલ રિગ તરફ જઈ રહ્યું હતું ત્યારે તૂટી પડયું હતું. આ ચોપર સવારે સાડા દસ વાગ્યે જુહુ ઍરોડ્રોમથી ઊપડ્યું હતું. કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી શિપે હેલિકૉપ્ટર તૂટી પડવાના ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહો શોધી કાઢયા છે.
વીટી-પીડબ્લ્યુએ રજિસ્ટ્રેશન નંબર ધરાવતું ચોપર સવારે અગિયાર વાગ્યે બૉમ્બે હાઈ પહોંચવાની અપેક્ષા હતી. નૌકાદળે કહ્યું હતું કે અમે અમારા સ્ટેલ્થ ફ્રિગેટ આઈએનએસ ટેગને તથા પ્લેન પી8આઈને સર્ચ અૉપરેશન માટે કામે લગાડાયાં હતાં. કોસ્ટ ગાર્ડે પણ હેલિકૉપ્ટરને શોધવા પોતાની શિપ મોકલાવી હતી.
ડિરેક્ટરેટ જનરલ અૉફ  સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે પ્લેનની દુર્ઘટનાની તપાસ સંસ્થા એએઆઈબી આ દુર્ઘટનાની તપાસ કરશે. આ દેખીતી દુર્ઘટના હોવાથી એની તપાસ ઍરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરશે. ડીજીસીએ એને તપાસમાં સહાય કરશે. આ સંસ્થા મુલ્કી ઉડ્ડયન ખાતા હેઠળ આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer