વડા પ્રધાનના મુખ્ય સચિવનો ચીફ જસ્ટિસની સાથે મુલાકાતનો પ્રયાસ

 
નવી દિલ્હી, તા.13 : દેશની સર્વોચ્ચ અદાલતનાં ચીફ જસ્ટિસ (સીજેઆઈ) દીપક મિશ્રા વિરુદ્ધ ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની બગાવત અને અસંતોષ બાદ આજે ન્યાયતંત્રમાં પડેલી આ તિરાડનું સમાધાન શોધવાનાં પ્રયાસો તેજ બનતાં દેખાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મુખ્યસચિવ નૃપેન્દ્ર મિશ્રએ આજે સીજેઆઈ સાથે મુલાકાત માટે પ્રયાસ પણ કર્યો હતો. જો કે તેમનાં વચ્ચે મુલાકાત થઈ શકી નહોતી. જો કે વડાપ્રધાનનાં મુખ્યસચિવે સીજેઆઈ સાથે મુલાકાત માટે કરેલા પ્રયાસ સામે આજે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે શા માટે વડાપ્રધાને પોતાના સંદેશાવાહકને મોકલ્યા? વડાપ્રધાને જવાબ આપવો જોઈએ.
પ્રાપ્ત અહેવાલો અનુસાર નૃપેન્દ્ર મિશ્ર આજે સવારે ચીફ જસ્ટીસનાં આવાસે દોડી ગયા હતાં અને આશરે પાંચેક મિનિટ સુધી બહાર રાહ જોઈ હતી. જો કે તેઓ ચીફ જસ્ટીસને મળી શક્યા ન હતાં. આ ઘટનાક્રમ પછી કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સૂરજેવાલે વડાપ્રધાન સામે સવાલ ઉઠાવતાં ટ્વિટ કર્યુ હતું અને કહ્યું હતું કે પોતાનાં સંદેશાવાહકને આવી રીતે શા માટે મોકલ્યા એ બાબતે વડાપ્રધાન ખુલાસો કરે.
બીજીતરફ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે આ વિવાદનો યોગ્ય ઉકેલ આવી જશે તેવી આશા દોહરાવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer