હવે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ફક્ત એક જ ટેસ્ટ લેવાશે?


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : દેશમાં શૈક્ષણિક વર્ષ 2019થી એન્જિનિયરીંગ કૉલેજોમાં પ્રવેશ માટે  એક જ ટેસ્ટ લેવામાં આવશે તેવો આડકતરો ઇશારો અૉલ ઇન્ડિયા કાઉન્સિલ અૉફ ટેક્નિકલ એજ્યુકેશનના વાઇસ ચૅરમૅન એમ.પી.પુનિયાએ આપ્યો હતો. ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારંભમાં હાજરી આપવા આવેલા પુનિયાએ જણાવ્યું હતું કે, એઆઇસીટીઇ દ્વારા સમગ્ર દેશમાં એક જ પરીક્ષા અંગેની પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે અને હવે તે પ્રપોઝલ અંતિમ મંજૂરી માટે સરકાર સમક્ષ છે. સરકારની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત થશે. સરકાર દ્વારા આ પરીક્ષા લેવા માટે એક અલગ બોડીની રચના કરવામાં આવશે. 
પુનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, તામિલનાડું અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની જેમ અમલમાં મુકવામાં આવશે. તેમણે કહ્યું કે, જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ અભ્યાસક્રમ હોવાથી અમારી માટે એક ચેલેન્જ બની રહેશે પરંતુ આ મુદ્દે અમે તમામ બોર્ડનો સંપર્ક કરીશું. એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે લેવાતી ઘણી બધી એન્ટ્રન્સ ટેસ્ટના લીધે વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડે છે. 
એઆઇસીટીઇના વાઇસ ચૅરમૅને જણાવ્યું કે, એઆઇસીટીઇ દ્વારા ક્લાસરૂમના શિક્ષણની ગુણવત્તામાં વધુ સારી કરવાનો પણ નિર્ણય લીધો છે. આ માટે એઆઇસીટીઇ દ્વારા છ માસનો એક મોડયુએલ તૈયાર કરવામાં આવ્યું છે. એન્જિનિયરીંગ કૉલેજમાં આવતા નવા શિક્ષકો માટે છ માસની ટ્રેનિંગ રાખવામાં આવશે અને ત્યારબાદ તેઓ કૉલેજમાં અભ્યાસ કરાવવા જશે. જેના થકી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. આ મોડયુઅલનો અમલ નવા શૈક્ષણિક સત્રથી ભરતી થનારા તમામ શિક્ષકો માટે અમલી બનશે.
તેમણે કહ્યું કે,  મોડયુઅલ ઉપરાંત નવા ભરતી થનારા શિક્ષકોએ સિનિયર ફેકલ્ટીના માગદર્શનમાં કામ કરવાનું રહેશે. જેથી નવા શિક્ષકોને અભ્યાસ કરાવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળી રહેશે. એઆઇસીટીઇ એક રેગ્યુલેટરી બોર્ડ છે અને તેનો આશય સુવિધાથી સજ્જ કૉલેજોની બેઠકો ઘટાડવાનો નથી. પરંતુ, જો કોઇ સંસ્થા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતી જણાશે તો ચોક્કસ અમે તે સંસ્થા સામે પગલાં ભરીશું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer