પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ વાપરવા બદલ દંડ કરવા સરકારની વિચારણા


મુંબઈ, તા. 13 : રાજ્ય સરકારે પ્લાસ્ટિકની થેલીઓ તેમ જ પ્લાસ્ટિકની અનેક વસ્તુઓ જેમ કે ડિસ્પોઝેબલ ચમચીઓ, પ્લાસ્ટિકના કન્ટેઈનર (ડબા) અને ફ્લેક્સ મટિરિયલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
જો નાગરિકો પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ વાપરશે તો તેમને દંડ કરવાની સરકારની વિચારણા છે. જોકે, પ્લાસ્ટિકની આવી વસ્તુઓ વાપરવા અથવા સંગ્રહ કરવા માટે કેબિનેટની મંજૂરી મેળવ્યા બાદ નાગરિકોને દંડ કરાશે.
આ મહિનાના અંતમાં પ્રતિબંધની તથા પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાત કરાશે એવી સમયના પર્યાવરણ વિભાગની યોજના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં રાજ્ય સરકારે પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી કંપનીઓનું માર્ચ મહિના બાદ લાઈસન્સ રિન્યુ નહિ કરવાની જાણ મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ને કરી છે.
પ્રતિબંધનું ઉલ્લંઘન કરવું દરેક માટે અપરાધ છે એવું અમે કરવા ઈચ્છીએ છીએ. જો આમજનતા પણ તેનું ઉલ્લંઘન કરશે તો તે પણ ગુનેગાર કહેવાશે. આ રીતે જ પ્રતિબંધ અસરકારક બનશે. જોકે, અંતિમ નિર્ણય રાજ્યની કેબિનેટ કરશે, એમ પર્યાવરણ વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્લાસ્ટિકની થેલીઓ બનાવતા એકમોનું માર્ચ પછી લાઈસન્સ રિન્યુ નહિ કરવાનું અમે નક્કી કર્યું છે. માર્ચથી રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકે તેવો નિર્ણય લેવાયો છે. જોકે નિકાસ કરતાં એકમોને પ્રતિબંધમાંથી બાકાત રખાશે એમ એમપીસીબીના સભ્ય સચિવ ડૉ. પી. અનબાલાગને જણાવ્યું હતું. એમપીસીબી પ્લાસ્ટિકના એકમોને પરવાના આપતી સત્તા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer