પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં આગ : ત્રણ વિદ્યાર્થિનીનાં મોત


મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂા. 4-4 લાખની સહાય : બલ્બ કાઢીને મોબાઇલ ચાર્જ કરવા વાયર જોડતાંવેંત ભડાકો થયો અને ટેન્ટ આગમાં લપેટાઇ ગયા !

રાજકોટ, તા.13: ઉપલેટાથી 20 કિ.મી. દૂર પ્રાંસલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી ધર્મબંધુજી દ્વારા યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરના અંતિમ દિનની પૂર્વ રાતે શિબિરાર્થી બહેનોના રહેવાના ટેન્ટમાં ભિષણ આગ ફાટી નીકળતા ત્રણ યુવતીના મૃત્યુ નિપજ્યા હતાં. 20થી વધુ યુવતીઓ દાઝી ગઇ હતી. 
રાજ્ય સરકારે મૃતક યુવતીના પરિવારને 4-4 લાખની સહાય અને કલેકટરને આ આગજનીની તપાસના આદેશ આપ્યા છે.
દર વર્ષની જેમ આ શિબિરમાં દેશભરમાંથી દશ હજારથી વધુ યુવા ભાઇ-બહેનો ભાગ લે છે. શનિવારે આ રાષ્ટ્ર કથા શિબિરનો છેલ્લો દિવસ હતો. શુક્રવારે અભિનેતા મુકેશ ખન્ના સહિતના મહેમાનોને સાંભળીને, જમ્યા બાદ  સૌ સૂવા ગયા હતાં ત્યારે આ ઘટના બની હતી.
કહે છે કે, કૃપા નામની એક વિદ્યાર્થિની તેના ટેન્ટમાં બલ્બ કાઢીને મોબાઇલ ફોન રિચાર્જ કરવા માટે વાયર ચડાવતા જ ભડાકો થયો હતો અને ટેન્ટ સળગી ઉઠયા હતાં. બે વિદ્યાર્થિની ઘેરી નીંદરમાં હતી, ત્યાં એમની ઉપર ટેન્ટનું સળગતું કપડુ પડતા એ બંનેના કરૂણ મૃત્યુ થયા હતાં. હો-ગોકીરો અને ભાગમ ભાગ મચી પડી હતી. કહે છે કે, કૃપાલી દવે નામની શિબિરાર્થીને બહાર નીકળી ગઇ હતી પરંતુ પોતાનો મોબાઇલ ફોન ભૂલાઇ ગયો હોવાનું યાદ આવતા અચાનક દોડીને અંદર ગઇ હતી, એ વખતે જ તેની ઉપર સળગતુ કપડુ પડતા આગનો ભોગ બની હતી.
અમદાવાદના અહેવાલ મુજબ, પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી આગના મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરતા રાજકોટ કલેક્ટરને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યપ્રધાને મૃતક વિદ્યાર્થિનીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમના પરિવારજનોને રૂા.4 લાખની સહાયની જાહેરાત કરી છે.  કલેકટરે ધોરાજી-ઉપલેટાના પ્રાંત ઓફિસરને આ ઘટનાની તપાસ સોંપી છે.  આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રણેય મૃતક બાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બનાવ અંગે ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાંસલા સ્થિત રાષ્ટ્રકથા શિબિરમાં આવેલા 100 જેટલા તંબુમાં ગઇકાલે રાત્રે બધા સુતા હતા, ત્યારે આગ લાગ્યા બાદ ગણતરીના સમયમાં જ 70 જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા હતાં, જેમાં મોરબીની કૃપાલી અશોકભાઇ દવે, સાયલા તાલુકાની વનિતા જમોડ અને જસદણના આંબરડી ગામની કિંજલ અરજણભાઇ એમ 3 બાળાઓ ગંભીર રીતે દાઝી જતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે આગ અને અફડાતફડીમાં  ઇજા પામેલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ એસપી અંતરિપ સુદેના જણાવ્યા પ્રમાણે ગઇકાલે રાત્રે જ જે વિસ્તારમાં આગ લાગી હતી તે તંબુમાંથી બાળકોને ખસેડી લેવામાં આવ્યા હતા. આ બાળકોને સલામત રીતે ઘેરે મોકલવાની  વ્યવસ્થા કરવામાં આવી છે,  આગ શા કારણે લાગી હતી તે અંગે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. 
આ ઘટના અંગે  શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુ:ખદ ઘટના છે પરંતુ અમને અફસોસ થાય છે કે અમે 3 વિદ્યાર્થિનીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. મૃતકોમાં  વનીતા સવશીભાઇ જમોડ (ઉ.વ.16) ગામ: ધમરાપરા, તા. સાયલા, કિંજલ અરજણભાઇ શિયાળ (ઉ.વ.14) આંબરડી, તા.જસદણ, કૃપાલી અશોકભાઇ દવે (ઉ.વ.15) મોરબીનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer