જાહેર મંચ પર જવાને બદલે આંતરિક નીવેડો લાવી શકાત : બાર કાઉન્સિલ


નવી દિલ્હી, તા. 13: રોસ્ટરીંગ જેવા નજીવા પ્રશ્નને લઈ ગઈકાલે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) સામે સવાલો ઉઠાવનાર સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશોની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે આલોચના કરી હતી. આ ઉપરાંત આ મુદ્દે રાજનેતાઓએ રાજકારણ ન કરવું જોઈએ તેવી ટકોર પણ કરવામાં આવી હતી. બારના ચેરમેન મનનકુમાર મિશ્રાએ કહ્યું હતું કે જાહેર મંચ પર જવાને બદલે આ બાબતનો આંતરિક રીતે નિરાકરણ લાવી શકાયું હોત. આ તો ખેદજનક છે. જો સર્વસંમતિ સાધી ન શકાય તો અન્ય જજો કે બાર કાઉન્સિલના સભ્યોને ય આમાં સાંકળી શકાયા હોત. જાહેર મંચ પર તેની ચર્ચા થવી જોઈતી ન હતી. આ તો ખેદજનક છે. આના પરિણામે તો ન્યાયતંત્ર અને તે પછી લોકશાહી નબળા પડશે.
કટોકટીની હાલત નથી દરમિયાન સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ (સીજેઆઈ) સામે કેસની વહેચણી બાબતે જાહેરમાં અસંતોષ ઠાલવ્યા બાદ આજે સુપ્રીમનાં ચાર વરિષ્ઠ જજ પૈકી જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ કુરિયન જોસેફે પ્રસાર માધ્યમો સાથે વાત કરીને કહ્યું હતું કે કોઈ કટોકટીની સ્થિતિ નથી. 
જસ્ટીસ ગોગોઈએ આજે એક સમારોહનાં ઉપક્રમે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે ન્યાયતંત્રનાં આંતરદ્વંદ વિશે કહ્યું હતું કે કોઈ જ કટોકટીની હાલત નથી. જો કે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તેમનાં દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં શિસ્ત ભંગ ગણાય કે નહીં ત્યારે તેમણે ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું કે તેમને લખનઉ જવા માટે વિમાન પકડવાનું છે અને તેઓ બીજું કંઈ કહી શકે તેમ નથી.
જસ્ટીસ કુરિયન જોસેફે આજે આશા વ્યક્ત કરી હતી કે તેમનાં તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉકેલી લેવામાં આવશે. ન્યાય અને ન્યાયપાલિકાનાં હિતમાં અવાજ ઉઠાવ્યો હોવાનું કુરિયન જોસેફે ઉમેર્યું હતું.
કેરળમાં પોતાનાં પૈતૃક આવાસે મલયાલી ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ ન્યાય અને ન્યાયપાલિકાનાં હિતમાં ઉભા થયા છે. તેનાથી વધુ કંઈ જ કહેવા માગતાં નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer