પોલીસ હવે તમારી ફરિયાદને અવગણી નહીં શકે


મુંબઈ, તા. 13 : ઓશિવરાના એક વાહન ડીલરે તેની બોલેરો કાર ગુમ થયાની ફરિયાદ કરવા આંબોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીઓએ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) ફાઈલ કર્યા વગર જ તેને પાછો વાળ્યો હતો. ત્યાર પછી તેની બોલેરો કારનો ઉપયોગ ઉત્તર-પ્રદેશમાં શત્રોની હેરાફેરીમાં કરાયો હતો. આ એવો એક કેસ નથી, જેમાં ફરિયાદને કાને ધરાઈ હોય નહીં. 
પણ જો હવે મહારાષ્ટ્ર પોલીસનું માનીએ તો સ્થિતી ઘણી બદલાઈ ગઈ છે. 
રાજ્ય પોલીસ એક સોફ્ટવેર તૈયાર કરી રહી છે જેને વિશ્વસનીયતા અને પારદર્શકતા માટે તમામ પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાશે. સોફ્ટવેરના ફિચર્સ ઉપલકિયા છે છતાં સૂત્રોનું કહેવું છે કે પોલીસની એ ફરજ બને છે કે ફરિયાદ કેવા પ્રકારની છે અને તેના માટે કેવાં પગલાં લેવાયાં છે તે સિસ્ટમમાં જણાવવું પડશે. આને પગલે લોકોને તેમની ફરિયાદનો સંતોષકારક પ્રતિભાવ મળવાની સંભાવના છે.
રાજ્યની ડીજીપી ઓફિસના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે લોકોએ ઘણી વાર એવી ફરિયાદ કરી કે તેમને યોગ્ય પ્રતિસાદ અપાતો નથી, તેને પગલે આ પ્રકારની સિસ્ટમની જરૂરિયાત ઘણા સમયથી હતી. આખા રાજ્યમાં આ સિસ્ટમ દાખલ કર્યા પહેલાં તેને મુંબઈ સહિતનાં કેટલાંક પોલીસ સ્ટેશનમાં પાઇલટ ધોરણે શરૂ કરાશે. 
ભૂતપૂર્વ ડિરેક્ટરેટ જનરલ ઓફ પોલીસ પ્રવીણ દીક્ષિતે કહ્યું કે આ પગલાંથી પોલીસની વિશ્વસનીયતા વધશે. ``અત્યારે પોલીસ સ્ટેશનમાં માનવચાલિત સિસ્ટમ છે. કેટલાક પોલીસ કર્મચારીઓ લોકો સાથે મિત્રભાવે વર્તન કરે છે, કેટલાકનું એવું નથી હોતું. આવા સમયે ફરિયાદીને ખાતરી નથી હોતી કે તેની ફરિયાદ ઉકેલાશે કે નહીં. સોફ્ટવેર દાખલ કરાયા પછી ફરિયાદ સામે લેવાયેલાં પગલાં સહિતના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ હશે.''
તેમણે કહ્યું કે પોલીસ પગલાં લે માટે કેટલાક એજન્ટ્સ લોકો પાસેથી પૈસા પડાવે છે, પણ સોફ્ટવેરને કારણે એજન્ટ્સની ભૂમિકા નાબૂદ થઈ જશે અને ફોલો-અપ ઝડપી બનશે. વરિષ્ઠ અધિકારીઓ આના ઉપર નજર પણ રાખશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer