લાલુ યાદવને સાડા ત્રણ વર્ષની જેલ, રૂા. દસ લાખનો દંડ

લાલુ યાદવને સાડા ત્રણ વર્ષની જેલ, રૂા. દસ લાખનો દંડ

ઘાસચારા કૌભાંડ : દેવગઢ ટ્રેઝરીમાંથી ઉચાપત કેસમાં ખાસ સીબીઆઈ કોર્ટનો ચુકાદો

ત્રણ સનદી અધિકારીઓને સાડા ત્રણ વર્ષ, અન્ય આરોપીઓને સાડા ત્રણથી સાત વર્ષનો કારાવાસ

નવી દિલ્હી, તા. 6: ઘાસચારા કૌભાંડ કેસમાં ખાસ સીબીઆઈ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના (રાજદ) વડા લાલુપ્રસાદ યાદવ અને અન્ય દસને દોષિત ઠરાવ્યા બાદ આજે લાલુપ્રસાદને સાડા ત્રણ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂા. દસ લાખના દંડની સજા સુણાવી હતી. ગુનાઈત કાવતરા સાથે છેતરપિંડીના ગુના સબબ કોર્ટે ભારતીય દંડસંહિતા અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ(પીએસી) હેઠળ કસૂરવાર જાહેર કર્યા હતા. આઈપીસી અને પીએસીની વિવિધ કલમો હેઠળ રૂા. પાંચ-પાંચ લાખ મળી રૂા. દસ લાખનો દંડ ફરમાવાયો છે. લાલુપ્રસાદ મુખ્ય પ્રધાનપદે હતા તે વર્ષોમાં `90થી '94 દરમિયાન દેવગઢ ટ્રેઝરીમાંથી રૂા. 89.27 લાખની ઉચાપતના આરોપસર લાલુપ્રસાદ અને અન્ય દસ વિરુદ્ધની સજાના પ્રમાણ અંગેની દલીલો કોર્ટે પૂરી કરી હતી. આ કેસમાં જાહેર હિસાબ સમિતિ (પીએસી)ના તત્કાલીન ચેરમેન જગદીશ શર્મા, રાજદના પૂર્વ નેતા આર.કે. રાણાને કોર્ટે અનુક્રમે 7 અને 3ાા વર્ષની સજા ફરમાવી હતી. 3 સનદી અધિકારીઓને 3 વર્ષની જેલસજા ફરમાવી હતી, તો બે અન્ય અધિકારીઓને અનુક્રમે 3ાા વર્ષ અને 7 વર્ષની સજા ફરમાવી હતી. બાકીના પાંચ આરોપીઓને 7 વર્ષની જેલસજા ફરમાવી હતી. સનદી અધિકારીઓને પણ અલગઅલગ રકમનો દંડ ફરમાવાયો છે.
આ પહેલાં આ કેસમાં તમામ કસૂરવારો માટેની સજાના પ્રમાણ વિશેની દલીલો બપોરે બેના સુમારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમાપ્ત થઈ હતી તેને પગલે ખાસ સીબીઆઈ જજ શિવપાલસિંહે સજા સુણાવી હતી. આ પહેલા લાલુને ચૈબાસા ટ્રેઝરીમાંથી રૂા. 33.61 કરોડની રકમની છેતરપિંડીભર્યા ઉપાડ કર્યાના આરોપસરના કેસમાં '13ની સાલમાં પાંચ વર્ષની જેલસજા ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર છોડયા હતા.
ઘાસચારા કૌભાંડમાં ડુમકા ટ્રેઝરી, ચૈબાસા ટ્રેઝરી અને દોરાન્દા ટ્રેઝરીમાંથી અનુક્રમે રૂા. 3.97 કરોડ, રૂા. 36 કરોડ અને રૂા. 184 કરોડની ઉચાપતના આરોપસરના અન્ય કેસોનો પણ યાદવ સામનો કરી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer