18મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

18મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે
 
આગામી સાતથી દસ વર્ષમાં મહારાષ્ટ્રના અર્થતંત્રને એક ટ્રિલિયન ડૉલરનું બનાવવાની નેમ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર દસ ટકાનો વિકાસદર યથાવત્ રાખીને આગામી સાતથી દસ વર્ષમાં રાજ્યનાં કુલ ઉત્પાદનને ટ્રિલિયન ડૉલરના (એક્ટ્રીલિયન એટલે એક લાખ કરોડ) લક્ષ્યાંકને પાર કરવાની નેમ ધરાવે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
બાંદરા (પૂર્વ)માં બીકેસીસ્થિત એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે આવતી 18મીથી 20મી ફેબ્રુઆરી મહારાષ્ટ્રના યજમાનપદે યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ મેગ્નેટિક મહારાષ્ટ્ર `ક્નવર્જન્સ 2018' અંગે માહિતી આપતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. કેન્દ્રના નીતિ આયોગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં મેમોરેન્ડમ અૉફ અંડરસ્ટેન્ડિંગનું મૂડીરોકાણમાં રૂપાંતર થવાનું પ્રમાણ 32થી 35 ટકા છે. મૂડીરોકાણની 2984 દરખાસ્તોમાંથી 1523 ફળદાયી નીવડી છે તે પ્રમાણ 51 ટકા છે. તેના થકી 8,00,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણની દરખસ્તોમાંથી 4,91,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. તેના થકી 30,00,000 લક્ષ્ય સામે 22,00,000 નોકરીઓ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગ ખાતાની કામગીરી સારી છે તે બદલ હું ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ અને તેમના સાથીઓને અભિનંદન આપું છું. આ ખાતાની સિદ્ધિ સરેરાશ કરતાં 21 ટકા વધારે છે.
આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ માટે ત્રણ ઇનામો રાખવામાં આવ્યાં છે. પહેલું ઇનામ 50 લાખ રૂપિયાનું, બીજું ઇનામ 30 લાખ રૂપિયા અને ત્રીજું ઇનામ 20 લાખ રૂપિયાનું હશે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર દેશનું મોખરાનું રાજ્ય છે. દેશનાં કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 15 ટકા અને કુલ નિકાસમાં હિસ્સો 25 ટકા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્ર 9.4 ટકાના દરે વૃદ્ધિ હાંસલ કરે એવી વકી છે. ઉત્પાદન ક્ષેત્ર મેઇક ઇન ઇન્ડિયાનું ચાલકબળ છે. રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સમાં તે લગભગ 21.43 ટકા યોગદાન આપે છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ નીતિ બહાર પાડનારું મહારાષ્ટ્ર દેશનું સૌપ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ અને સિંગલ વિન્ડો જેવી નીતિ બહાર પાડીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. ફૂડ પ્રોસેસિંગ નીતિ હાલ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા કૃષિક્ષેત્રને મદદરૂપ નીવડશે એવી આશા છે, એમ દેસાઈ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન એમઆઈડીસીના મૅનેજિંગ ડિરેક્ટર સંજય સેઠીએ કર્યું હતું. આવતા મહિને યોજાનારા આ કાર્યક્રમના રજિસ્ટર પેજનું અને ઍપનું લોકાર્પણ મુખ્ય પ્રધાને રિમોટ વડે કર્યું હતું. તેનું ઍપ આવતી 12મી જાન્યુઆરીથી કાર્યરત થશે.
ત્રણ દિવસની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ મુખ્યત્વે રોજગારીની તકો, ટકાઉપણું, માળખાકીય સગવડો અને ભાવિ ઉદ્યોગો જેવી ચાર મુખ્ય બાબતો આધારિત હશે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં સંવાદાત્મક પરિસંવાદ, સી.ઈ.ઓ. રાઉન્ડટેબલ અને પેનલ ચર્ચા વગેરે કાર્યક્રમો યોજાશે.
`મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે'
મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે સારી છે એમ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું. ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની માહિતી આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારે ભીમા-કોરેગાંવની ઘટના અને તેના પગલે અશાંતિ અંગે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રશ્ન રાજકીય છે. આમ છતાં હું તેનો ઉત્તર આપીશ. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે સારી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer