ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી

દિલ્હીથી જાહેરાત :  ગુજરાત કૉંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સસ્પેન્સનો અંત
 
અમદાવાદ, તા.6: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ- કોંગ્રેસના નેતા તરીકે આખરે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી થઇ છે. આ સાથે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાંક દિવસોથી આ પ્રશ્ને ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. અમરેલી અને સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો અને પરેશ ધાનાણીના સમર્થકોએ ફટાકડા ફોડી તેમની નિમણૂકને વધાવી હતી.
 ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે  યોગ્ય ઉમેદવારની પસંદગીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મેરેથોન અને વન ટુ વન બેઠકો યોજી હતી અને તેમના અભિપ્રાયો-સૂચનો મેળવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આજે સાંજે રાષ્ટ્રીય નિરીક્ષકો અશોક ગેહલોત અને ભંવર જિતેન્દ્રાસિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની તેમના નિવાસસ્થાને ખાસ મુલાકાત લીધી હતી  તેમને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના નેતા (વિપક્ષના નેતા) મુદ્દે વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો હતો. રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય નિરીક્ષકો પાસેથી અહેવાલ અને ગુજરાતની સમગ્ર પરિસ્થિતિ તેમ જ  રાજયની આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, લોકસભાની 2019ની ચૂંટણી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં લઇ આખરે પક્ષના યુવા નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મંજૂરીની મ્હોર વાગી જતાં મોડી સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કેટલાક જૂથમાં ધાનાણીનું નામ જાહેર કરાતાં આંતરિક નારાજગી પણ પ્રવર્તી હતી કારણ કે, ધાનાણીની સાથે વિપક્ષના નેતાની રેસમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનાસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમાંના કેટલાકે તો મીડિયા સમક્ષ વિવાદીત નિવેદનો પણ આપ્યા હતા, જેને લઇને પક્ષના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આંતરિક હુંસાતુંસી અને વિખવાદ વચ્ચે પણ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આખરે પક્ષના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી પર જ પસંદગી ઉતારવામાં આવી હતી. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકીના મોટાભાગના ધારાસભ્યોએ પણ ધાનાણીના નામ પર સર્વસંમતિ બતાવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer