વડોદરા મેરેથોનના કાર્યક્રમમાં તેજલ અમીન અને મુખ્ય પ્રધાનની હાજરી સામે વિરોધ

વડોદરા મેરેથોનના કાર્યક્રમમાં તેજલ અમીન અને મુખ્ય પ્રધાનની હાજરી સામે વિરોધ
 
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 6 : રવિવારે વડોદરા ખાતે સેવન સ્ટાર મેરેથોન યોજાવાની છે. મેરેથોનના ચૅરપર્સન શિક્ષણવિદ તેજલ અમીન છે ત્યારે ફી નિયમનનું પાલન ન કરનાર સંચાલકના કાર્યક્રમમાં હાજરી આપી રહેલા મુખ્ય પ્રધાન સામે શહેર કૉંગ્રેસે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત વાલી મંડળ અને શહેરના ભાજપના અગ્રણી દ્વારા પણ મેરેથોનનો આડકતરો વિરોધ કરવામાં આવ્યો છે. 
રવિવારે શહેરમાં સેવન સ્ટાર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેકર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. સતત બીજા વર્ષે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ફલેગ અૉફ કરવા માટે હાજરી આપશે. ત્યારે વડોદરા કૉંગ્રેસે મુખ્ય પ્રધાનની મેરેથોનમાં હાજરીને પગલે વાંધો ઉઠાવતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 
વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, જ્યારે સરકારે ફી નિયમન કાયદો પસાર કર્યો ત્યારે શાળા સંચાલકો હાઈ કોર્ટમાં ગયા હતા અને જેમાં મેરેથોનનું સંચાલન કરનાર શિક્ષણવિદ તેજલ અમીન પણ સામેલ છે અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આ મેરેથોનમાં જોડાશે ત્યારે સરકારના કાયદાને કોરણે મૂકી દેનાર તેજલ અમીન  સહિત અન્ય શાળા સંચાલકોના જ કાર્યક્રમમાં જો મુખ્ય પ્રધાન આવતા હોય તો તેઓએ સૌથી પહેલાં તમામ શાળા સંચાલકોને ફી નિયમનના પાલન અંગે સવાલ પૂછવો જોઈએ.
વાલી મંડળના પ્રમુખ ભાવનાબહેન સપકાળે જણાવ્યું હતું કે, અમારો મેરેથોન સામે વિરોધ નથી, મેરેથોન સ્પોર્ટ્સ છે, પરંતુ મેરેથોનના આયોજકો શાળા સંચાલકો છે  અને આ શાળા સંચાલકો જ સરકારના નિર્ણય સામે કોર્ટમાં ગયા છે અને સરકારના કાયદાને ઘોળીને પી ગયા છે, ત્યારે મેરેથોનમાં હાજરી આપવા માટે આવી રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નકકી કરવું જોઈએ કે, સરકાર વાલીઓ સાથે છે કે, સરકારના કાયદાનો અમલ ન કરનારા શાળા સંચાલકો સાથે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer