નાસતા ફરતા `વન અબોવ''ના માલિકોનાં પોસ્ટર જારી કરાયાં

નાસતા ફરતા `વન અબોવ''ના માલિકોનાં પોસ્ટર જારી કરાયાં

મુંબઈ, તા. 6 : કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલા વન અબોવ રેસ્ટોરંટમાં બનેલી આગની ઘટના બાદ તેના માલિકો ફરાર છે અને તેમને શોધવા મુંબઈ પોલીસે આજે આરોપીઓનાં પોસ્ટર જારી કર્યાં હતાં.
બીજી તરફ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હજી સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરાઈ નથી. એ જોવું પડશે કે દોષીઓ વિરુદ્ધ કારવાઈ નહીં કરવા માટે ક્યાંક સરકાર પર કોઈ જાતનું રાજકીય દબાણ તો નથી ને. દરમિયાન પોલીસે આરોપી સંઘવી ભાઈઓનાં `વૉન્ટેડ' પોસ્ટરો મઝગાંવ સ્થિત તેની બિલ્ડિંગ બહાર લગાડયા છે, જેઓ ફરાર છે.
હુક્કામાંથી નીકળેલી ચિનગારીથી આગ લાગી હતી
મુંબઈ અગ્નિશમન દળે કરેલી તપાસમાં ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. અહેવાલમાં જણાવ્યા મુજબ મોજો'સ બિત્રો રેસ્ટોરાંના સહ-માલિક પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કે. કે. પાઠકનો પુત્ર યુગ અને બૉલીવૂડના જાણીતા ગાયક-સંગીતકાર શંકર મહાદેવનના પુત્ર સિદ્ધાર્થ છે. સર્વ કરાયેલા હુક્કામાંથી નીકળેલી ચિનગારી વન-અબોવ પબમાં પડવાથી આગ લાગી હતી. જેમાં 14 જણનાં મોત થયાં હતાં.
દરમિયાન પાલિકા મેયરે જણાવ્યું હતું કે જે કંઈ ગેરકાયદે હશે અને જે કસૂરવાર હશે તેમને સજા થશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. અમારા માટે માનવીની જિંદગી વધુ મહત્ત્વની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer