`મર્સિડિઝ મદદ કરવા ઊભી ન રહી અને કૉફી શોપે પાણી આપવાની ના પાડી''

`મર્સિડિઝ મદદ કરવા ઊભી ન રહી અને કૉફી શોપે પાણી આપવાની ના પાડી''

કમલા મિલ્સ કરુણાંતિકામાં ઊગરી ગયેલાં અક્ષિતા દોશી-શ્રોફ કહે છે
 
મુંબઈ, તા. 6 : `મર્સિડિઝ કાર મદદ કરવા ઊભી ન રહી અને કૉફી શોપે પાણી આપવાની ના પાડી દીધી' આ શબ્દો કમલા મિલ્સની આગમાંથી ઊગરી ગયેલાં વેડિંગ કોરિયોગ્રાફર અક્ષિતા દોશી શ્રોફના છે. વન અબોવ રેસ્ટોબારના રૂફ ટોપ પર લાગેલી આગ કે જે 14 જણને ભરખી ગઈ હતી તેમાંથી બચી ગયેલી અક્ષિતાએ રાતના કમકમાટીભર્યા અનુભવોનું એક સપ્તાહ બાદ વર્ણન કર્યું છે. હૉસ્પિટલના બિછાના પરથી 30 વર્ષનાં અક્ષિતાએ જણાવ્યું હતું કે તે મરતાં મરતાં બચી ગઈ હતી.
`એ રાતે અમે જે માહોલ જોયો તે હિંમત તોડી નાખે એવો હતો. દાઝેલી હાલતમાં સિસકારા સાથે અમે એ રીતે એલિવેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે ત્યાં અસંખ્ય લોકો તસવીરો ખેંચતા અને વીડિયો ઉતારતા નજરે પડયા હતા.' એમ તેણે વધુમાં જણાવ્યું હતું.
 `જ્યારે માત્ર થોડી મિનિટોની અંદર રેસ્ટોરન્ટને તારાજ કરતી આગ લાગી ત્યારે રેસ્ટોબારમાં અક્ષિતા તેનો પતિ દીપ અને તેના છ પિતરાઇઓ અને તેમના જીવનસાથીઓ ભોજન લઈ રહ્યાં હતાં.
પોતાની ત્વચા અને વાળમાં પીગળી ગયેલું પ્લાસ્ટિક ચોંટી ગયું હતું. ત્યારે પ્રાંગણમાંથી બહાર થઈ રહેલી એક મર્સિડિઝ કારને રોકવાનો તેણે પ્રયાસ કર્યો હતો. `અમે મદદ માટે રીતસરની ભીખ માગી રહ્યાં હતાં. કારની અંદર બેઠેલી મહિલા ડ્રાઇવર કારને ધીમી પાડશે એવું લાગ્યું હતું પરંતુ અમે જેવા તેની નજીક પહોંચ્યા તો તેણે ઝડપ વધારી દીધી હતી. અને કાર ત્યાંથી હંકારી ગઈ હતી. મારા એકાદ બે મિત્રો કૉફી શૉપમાં પાણી માગવા ગયા હતા પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો એક માણસે જ્યારે કાઉન્ટર પર થોડા સિક્કા મૂકયા ત્યારે પાણી આપ્યું હતું.' એમ અક્ષિતાએ જણાવ્યું હતું.
અક્ષિતા, દીપ અને તેમના સંબંધીઓને પરેલની ગ્લોબલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. `ત્યાં પહોંચતા અમને કહેવામાં આવ્યું હતું કે, ત્યાં બર્ન્સ યુનિટ નથી તેઓએ અમને કેઇએમ હૉસ્પિટલમાં જવાની સલાહ આપી હતી તે ત્યાંથી 400 મીટરના અંતરે આવેલી છે. આ ક્ષણે અમે એ વિચારી રહ્યાં હતાં કે, મુંબઈની માનવતા ક્યાં ગઈ?'
કેઇએમ ખાતે તરત જ ડૉક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરિવારે જોકે ત્યારબાદ ભાટિયા હૉસ્પિટલમાં સારવાર લેવાનું મુનાસિફ માન્યું હતું.
`રેસ્ટોરન્ટોને નિયમોનો ભંગ કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવે છે અને નિર્દોષ લોકોને સહન કરવાનું આવે છે' એ વિચારીને મને ગુસ્સો આવતો હતો. કમલા મીલના બનાવથી એક બોધપાઠ બધાને મળશે એવી આશા અક્ષિતાએ વ્યક્ત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer