પંડયાના પાવર છતાં દક્ષિણ આફ્રિકાની પકડ

પંડયાના પાવર છતાં દક્ષિણ આફ્રિકાની પકડ
 
પહેલા દાવમાં ભારત 209 રનમાં સમેટાતાં યજમાન ટીમને 142ની સરસાઇ : હાર્દિકના 93 રન, આફ્રિકા બે વિકેટે 65

કેપટાઉન, તા. 6 : અહીં દક્ષિણ આફ્રિકા સામે પહેલી ટેસ્ટનો બીજો દિવસ 24 વર્ષીય હાર્દિક પંડયાના નામે રહ્યો હતો. માત્ર સાત રન માટે વિસ્ફોટક સદી ચૂકેલા હાર્દિકે આજે યજમાન ટીમની બે વિકેટ પણ ખેરવી હતી. આમ, પંડયાના પાવરથી એક તબક્કે 92 રને સાત વિકેટના દબાણ હેઠળ રમતી ટીમ ઇન્ડિયાએ રમતમાં વાપસી જરૂર કરી હતી, પરંતુ 142 રનની સરસાઇ સાથે હજુ ટેસ્ટ પર દ.આફ્રિકાની પકડ?છે. ભારતીય ટીમ પહેલા દાવમાં 209 રને ઓલઆઉટ થયા પછી બીજા દાવ માટે મેદાન પર ઊતરેલી દ.આફ્રિકાની ટીમ રમત બંધ રહી ત્યારે બે વિકેટ ખોઇને 65 રન કર્યા હતા. 
હાર્દિક સિવાયના કોઇપણ બેટધર ક્રિઝ પર લાંબું નહીં ટકી શકતાં પ્રવાસી ભારતીય ટીમ પોતાના પર સરસાઇનું ભારણ ખાસ ઘટાડી શકી નહોતી.
બીજા દાવ માટે મેદાન પર ઊતરેલી આફ્રિકાની ટીમે 65 રનમાં બંને ઓપનરની વિકેટ ખોઇ દીધી હતી. મરક્રમ 34 અને એલ્ગર 25 રને આઉટ થયા હતા. રબાડા બે અને આમલા 4 રને દાવમાં છે. 28 રનેથી રમતને આગળ વધારતાં ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડયાએ મુશ્કેલ પીચ પર ધૈર્યપૂર્વક 93 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય ચેતેશ્વર પૂજારા (26) અને ભુવનેશ્વર કુમાર (25) હરીફ બોલરોની ઝીંક ઝીલી હતી.
અન્ય બેટધરો રોહિત શર્મા (11), અશ્વિન (12), સહા (0), શમી (4), બુમરાહ (2) જામ્યા ન હતા અને ભારતનો દાવ 209 પર સમેટાયો હતો.
પંડયા પોતાની સદીથી ચૂકી ગયો હતો. તેણે પોતાના ઝમકદાર 93 રનના દાવમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો.
સંકટમાં ફસાયેલી ભારતીય ટીમ માટે પંડયા અને ભુવનેશ્વરે આઠમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી એવા સમયે આવી હતી કે જ્યારે ભારતીય ટીમે 92 રનમાં જ પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી.
દક્ષિણ આફ્રિકા વતી ફિલેન્ડર, રબાડાએ 3-3 વિકેટ મેળવી હતી જ્યારે સ્ટેન અને મોર્કલે બે-બે વિકેટ મેળવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer