ભારતીય `બોલ્ટ'' નિસાર અહમદનું જમૈકામાં થશે સપનું સાકાર

ભારતીય `બોલ્ટ'' નિસાર અહમદનું જમૈકામાં થશે સપનું સાકાર

નવીદિલ્હી, તા.6: દિલ્હીના ઝુગ્ગી ગામનો 16 વર્ષનો સ્પ્રિંટ દોડ વિજેતા નિસાર અહમદ વિશેષ ટ્રેનિંગ માટે જમૈકા જવાનો છે. જમૈકામાં નિસારને તેનું સપનું પૂરું કરવાની તક મળશે. નિસારનું સપનું સ્ટાર ચેમ્પિયન ઉસૈન બોલ્ટને મળવાનું છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું લઈને નિસાર ભારતના તે 13 રમતવીરોમાં સામેલ થયો છે જે જમૈકાના કિંગસ્ટન રેસર્સ ટ્રેક કલબમાં એક મહિનાની વિશેષ ટ્રેનિંગ માટે જવાના છે. આ ટ્રેનિંગ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. નિસારે કહ્યું હતું કે, `હું બોલ્ટને મળવા માટે ખુબજ ઉત્સાહિત છું, અમને કહેવામાં આવ્યું છે કે બોલ્ટ સાથે મુલાકાત કરાવવાની પુરી કોશિષ કરવામાં આવશે. અમે એક મહિના સુધી જમૈકા રોકાશું તો જરૂર મુલાકાત થશે. આ મુલાકાતથી મને સપનું પૂરું કરવાની તાકાત મળશે. ઉપરાંત બોલ્ટના મેદાનમાં જ ટ્રેનિંગ મળી રહી છે જે સૌથી મહત્વની બાબત છે.' સમગ્ર દેશમાંથી આ ટ્રેનિંગ માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ 13 રમતવિરોને જમૈકા લઈ જઈ રહી છે. કંપની દર વર્ષે વિશેષ ટ્રેનિંગ માટે ભારતના અમુક ખાસ રમતવિરોને પસંદ કરે છે. જેમાં આ વર્ષે નિસાર અહમદ પણ જઈ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer