ઈમરાને ગુપચુપ ત્રીજી વાર નિકાહ કરી લીધા?

ઈમરાને ગુપચુપ ત્રીજી વાર નિકાહ કરી લીધા?

આધ્યાત્મિક ક્ષેત્રની મહિલા સાથે શાદીના હેવાલ ઈમરાનના પક્ષે નકાર્યા

ઈસ્લામાબાદ,તા.6 પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ (પીટીઆઈ) પક્ષના પ્રમુખ ઈમરાન ખાને લાહોરમાં ફરી એક વાર ગુપચુપ નિકાહ કરી લીધા હોવાના હેવાલ છે. એવા હેવાલ છે કે ઈમરાને ત્રીજી વારના નિકાહમાં એક આધ્યાત્મિક મહિલાને પોતાની બેગમ બનાવી છે. જો કે, ઈમરાનના એક નિકટના સાથીએ લગ્નના હેવાલ નકાર્યા છે. 
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને પોતાના લફરાઓ માટે જાણીતા એવા ઈમરાને પહેલી જાન્યુઆરીની રાત્રે ત્રીજા નિકાહ કરીને નવા વર્ષને આવકાર્યું હતું. લગ્નના એક દિવસ પહેલા જ તેઓ 2014ના એક કેસમાં ઈસ્લામાબાદની એક આતંકવાદ વિરોધી અદાલતમાં રજૂ થયા હતા અને તેમને જામીન પણ મળી ગયા હતા. 
ઉલ્લેખનીય છે કે ઈમરાને બે વર્ષ પહેલાં રેહમ ખાન સાથે નિકાહ કર્યા હતા તો પહેલા નિકાહ જેમિમા ગોલ્ડસ્મિથ ખાન સાથ કર્યા હતા. અલબત્ત, પીટીઆઈના પ્રવક્તા નઈમ ઉલ હકે ઈમરાનની શાદીના હેવાલ નકારી કાઢ્યા છે. પાકિસ્તાની મીડિયાના હેવાલ મુજબ તેઓ ઈમરાનના નિકાહના પ્રસંગમાં સામેલ પણ થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer