અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે રાષ્ટ્રીય સ્તરની ફૂટબૉલ સ્પર્ધા


સંતોષ ટ્રૉફી (પશ્ચિમ ઝોન) માટેની 72મી સિનિયર નેશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં સાત રાજ્યો ભાગ લેશે : આ સ્પર્ધા સોમવારથી શરૂ થશે
અમદાવાદ, તા. 6 : ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશન (જીએસએફએ) દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની ફૂટબૉલ ચૅમ્પિયનશિપનું આયોજન કરાયું છે. સંતોષ ટ્રૉફી (પશ્ચિમ ઝોન) માટેની 72મી  સિનિયર નેશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપનું આયોજન અમદાવામાં એરેના ટ્રાન્સસ્ટેડિયામાં જાન્યુઆરી 8થી જાન્યુઆરી 13, 2018 સુધી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જાન્યુઆરી 8, 2018ના રોજ આ સ્પર્ધાને ખુલ્લી મૂકવા માટે સંમતિ આપી છે.
સંતોષ ટ્રૉફી રાષ્ટ્રીય સ્તરની ખૂબ જ પ્રતિષ્ઠિત ફૂટબૉલ સ્પર્ધા છે. આ સ્પર્ધા ઝોન પ્રમાણે રમાય છે - જેમાં પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર-પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે. સાત રાજ્યોની ફૂટબૉલ ટીમો સંતોષ ટ્રૉફી (પશ્ચિમ ઝોન) માટેની 72મી સિનિયર નેશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે, જેમાંથી ટોચની બે ટીમો નેશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે.
આ સાત ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં ગુજરાત, ગોવા અને રાજસ્થાન તથા ગ્રુપ બીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ અને દીવ તેમ જ લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 8, 2018ના રોજ ગુજરાત તેની પ્રારંભિક મૅચમાં રાજસ્થાનનો મુકાબલો કરશે, જ્યારે ગુજરાતની બીજી લીગ મૅચ ગોવા સામે જાન્યુઆરી 12, 2018ના રોજ યોજાશે.
સ્પર્ધાના આયોજન અંગે વાત કરતાં ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશનના પ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, ``સંતોષ ટ્રૉફી સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય ચૅમ્પિયનશિપ છે. ગુજરાતના ઊભરતા અને પ્રતિભાવાન ખેલાડીઓ માટે અન્ય રાજ્યોના ખાસ કરીને ગોવા અને મહારાષ્ટ્રના વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓને રમતા જોવાનો અને તેમની રમતમાંથી શીખવાનો આ અનોખો મોકો છે. મને આશા છે કે આ પ્રકારની પ્રતિષ્ઠિત સ્પર્ધાના આયોજનથી રાજ્યમાં ફૂટબૉલને લોકપ્રિય બનાવવામાં મદદ મળશે.''

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer