કમલા મિલ આગ : મોજો''સ બિસ્ત્રોના માલિક યુગ પાઠકની ધરપકડ

 
માલિકો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : કમલા મિલના કમ્પાઉન્ડમાં 29 ડિસેમ્બરે લાગેલી 14 જણનો જાન લેનારી ભીષણ આગની ઘટનાના સંબંધમાં પોલીસે આજે મોજો'સ બિસ્ત્રો પબના એક માલિક યુગ પાઠકની ધરપકડ કરી હતી. ના. મ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કે. કે. પાઠકના પુત્ર યુગ પાઠકની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ અગ્નિશમન દળે તેના ગઈ કાલના આ આગની ઘટના અંગેના પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવ્યું હતું કે આગ હુક્કામાંથી નીકળેલા તણખાને કારણે સંભવત: મોજો'સ બિસ્ત્રોમાંથી શરૂ થઈ હતી.
પોલીસે આજે પાઠક અને તેના ભાગીદાર - નાગપુરસ્થિત વેપારી યુગ તુલીની સામે આઈપીસીની કલમ 304 (સદોષ મનુષ્યવધ), 338 (ગંભીર ઈજા કરવી) તેમ જ અન્ય જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ પહેલાં કેસમાં પાઠકનું નિવેદન રેકર્ડ કર્યું હતું.
પાઠક અને તુલીના નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યા હતા, જે `વન અબોવ'ના માલિકો કૃપેશ સંઘવી, જિગર સંઘવી અને અભિજિત માનકર સામે 29 ડિસેમ્બરે દાખલ કરવામાં આવી હતી. હાલ તુરત અમે પાઠકની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાગીદાર તુલી પર સમન્સ બજાવ્યું છે, કેમ કે આ કેસમાં તે પણ `વૉન્ટેડ' છે, એમ ના. મ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેકટર અહમદ પઠાણે જણાવ્યું હતું.
`અમે ટૂંક સમયમાં પાઠકને કોર્ટ સમક્ષ રજૂ કરીશું,' એમ પઠાણે વધુમાં જણાવ્યું હતું.
અગાઉ આ આગના સંબંધમાં પોલીસે વન અબોવના બે મૅનેજરોની ધરપકડ કરી હતી. પોલીસે નાસતા ફરતા ત્રણ પબ માલિકોની કોઈ પણ માહિતી આપનારને રૂા. એક લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
આ સંબંધમાં ભાયખલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક અન્ય એફઆઈઆરમાં પોલીસે વન અબોવના ભાગીદારોને આશ્રય આપવા બદલ મહેન્દ્ર સંઘવી (55)ની ધરપકડ કરી હતી. તેમને પાછળથી જામીન મંજૂર કરાયા હતા.
આગમાં માર્યા જનારાઓ પૈકી 13 વન અબોવના ગ્રાહકો હતા, જ્યારે 14મો તેનો વેઈટર હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer