લાલુને સજાના દિવસે જ પુત્રી મીસા અને જમાઈ સામે ઇડીની વધુ એક ચાર્જશીટ


નવી દિલ્હી, તા. 6 : નાણાંની ગેરકાયદે હેરફેર કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પ્રમુખ લાલુપ્રસાદ યાદવનો પરિવાર મુશ્કેલીમાં છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આ કેસમાં લાલુની પુત્રી મીસા ભારતી અને તેના પતિ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ એવા સમયે આવી છે કે જ્યારે રાંચીની અદાલતે લાલુને ચારા કૌભાંડમાં સજા ફટકારી છે.
આ પહેલાં ચારા કૌભાંડથી જોડાયેલા દેવધર તિજોરી મામલામાં લાલુને દોષિત જાહેર કરાયા તે દિવસે જ તપાસ એજન્સીએ મીસા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જે પછી આજે ઈડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. 23મી ડિસેમ્બરે ઈડીના વકીલ નીતેશ રાણાએ દિલ્હીમાં વિશેષ ન્યાયાધીશ એન.કે. મલ્હોત્રાની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીએ મીસા ભારતી અને તેના પતિ સામે તપાસના સંબંધમાં દિલ્હીનું એક ફાર્મહાઉસ ટાંચમાં લીધું હતું. ઈડીએ બે ભાઈઓ સુરેન્દ્રકુમાર જૈન અને વીરેન્દ્ર જૈન તથા અન્યો સામે પોતાની તપાસના સંબંધમાં જુલાઈ મહિનામાં આ ફાર્મહાઉસ અને અન્ય જગ્યાએ દરોડા પણ પાડયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer