ઉ. ભારતમાં કડકડતી ઠંડી : 70નાં મોત


નવી દિલ્હી/લખનૌ, તા. 6 :  સમગ્ર ઉત્તર ભારત ભયંકર ઠંડી સામે ઝઝૂમી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં જ્યાં ઠંડીનો પારો 6 ડિગ્રી સેલ્સીયસથી નીચે પહોંચી ગયો છે, જ્યારે ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. ઘરવિહોણા બેસહારા લગભગ 70 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આશ્રય સ્થાનો અને ઠંડીથી બચવાના ઉપાયોની અછતના લીધે સમગ્ર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા મૃત્યુના બનાવો બન્યા છે. જોકે, તેને લઇને કોઇપણ અધિકારી ખુલ્લીને બોલવા તૈયાર નથી.
હેવાલો, મુજબ પૂર્વાંચલમાં 22 લોકોનું, જ્યારે બરેલી ડિવિઝનમાં ત્રણ, અલ્હાબાદ ડિવિઝનમાં 11 અને બુંદેલખંડ ક્ષેત્રમાં 28 લોકોનું મોત થયું હતું.
થોડા થોડા સમયથી આ જીવલેણ ઠંડીમાં રાહત મળવાના કોઇ સંકેત નથી મળી રહ્યા.લોકોનું ઘરોમાંથી નીકળવું દુસ્કર બની રહ્યું છે.  બીજી બાજુ, ગાઢ ધુમ્મસથી નાના-મોટા અકસ્માતોની ઘટના બની રહી છે. શનિવાર સવારથી જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. ઠંડી અને ધુમ્મસથી વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે. વિઝિબીલીટી દૃશ્ય ક્ષમતાના કારણે દિલ્હી આવનારી 49 ટ્રેનો સમયથી મોડી ચાલી રહી છે. 13 ટ્રેનોના સમય બદલવામાં આવ્યા હતા. જ્યારે 18 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં 70 મૃત્યુ ઉપરાંત માર્ગ અકસ્માતોના ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા.
જ્યારે મુઝ્ઝફરનગરમાં આજે પારો 3.4 ડિગ્રી સેલ્સીયસ સુધી નીચે ઉતરી ગયો હતો. જ્યારે સુલ્તાનપુર અને કુરસતર્જમમાં ઓછામાં ઓછું તાપમાન 2.8 ડિગ્રી સુધી નીચે ગગડી ગયું હતું. જોકે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડશે તેવી આશા દર્શાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer