નરિમાન પોઇન્ટ ખાતે ફ્લોટેલ માટે તરતી જેટીની યોજના સામે બૉમ્બે હાઈ કોર્ટની નારાજગી

 
સોમવારે આવનારા ચુકાદા પર નજર
 
મુંબઈ, તા. 6 : દરિયામાં આલીશાન ફ્લોટેલ (તરતી હોટલ) માટે નરિમાન પોઇન્ટના છેડે તરતી જેટી (ધક્કો) બાંધવાના પ્રસ્તાવ પરની અરજીની સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે કોના ભોગે અને ખર્ચે આવા પર્યટનનો વિકાસ કરવા માંગો છો એવો સવાલ કર્યો હતો. હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ફ્લોટિંગ જેટીને પરવાનગી આપવાના કરેલા ઇન્કારને પડકારતી અરજીની બૉમ્બે હાઈ કોર્ટ સુનાવણી કરી રહી હતી. સમિતિએ એવો મત દર્શાવીને આ પરવાનગીને નકારી હતી કે આવી જેટીથી મરીન ડ્રાઇવ પરની સવારીનો નજારો માર્યો જશે.
ન્યાયમૂર્તિ અભય ઓક અને ન્યાયમૂર્તિ પ્રદીપ દેશમુખની બનેલી ડિવિઝન બેન્ચે આ મુદ્દે રાજ્યના પર્યટન મંડળ એમટીડીસીના વલણ સામે નારાજગી દર્શાવી હતી.
`એમટીડીસી એ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થા છે અને તે હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના હુકમની વિરુદ્ધમાં જઈ શકે નહીં એમટીડીસી ખાનગી કોન્ટ્રેક્ટરના હિતને ટેકો આપી શકે નહીં.' એમ બેન્ચે આ સુનાવણી દરમિયાન નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું.
બેન્ચે મહારાષ્ટ્ર સરકાર પાસેથી એ પણ જાણવા ઇચ્છયું હતું કે, તે એમટીડીસી સામે કોઈ પગલાં ભરવા ઇચ્છે છે કે, તેની ભૂમિકાની તપાસ કરવાની તેની કોઈ યોજના છે?
પર્યટનમાંથી આવક મળે એ ખરુ પણ કઈ કિંમતે? એવો સવાલ જજે કર્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે તે અરજી પરનો તેનો ચુકાદો 8 જાન્યુઆરીના આપશે.
આ પ્રોજેક્ટ માટે રશ્મિ ડેવેલોપર્સ પ્રા. લિમિટેડે એમટીડીસી સાથે સંયુક્ત ભાગીદારી કરી છે અને તેણે પરવાનગીના ઇન્કારને પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer