એચ વન-બી વિઝાના નિયમોમાં ફેરફારનો અમેરિકી સાંસદોમાં પણ વિરોધ


મોટી સંખ્યામાં ભારતીયોના દેશ છોડવાથી અમેરિકાના અર્થતંત્રને અસર થવાની ભીતિ

નવી દિલ્હી, તા. 6: અમેરિકામાં એચ 1બી વિઝાને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણનો અમુક અમેરિકી સાંસદોએ પણ વિરોધ કર્યો છે. અમેરિકી સાંસદોનું માનવું છે કે, જો ગ્રીન કાર્ડ હોલ્ડરોને એચ 1બી વિઝામાં છૂટ આપવામાં ન આવી તો અમેરિકામાં કામ કરી રહેલા પાંચ લાખથી વધારે ભારતીયોને પરત ફરવું પડશે.
અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે કે, એચ 1બી વિઝા વિસ્તાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો તેની માઠી અસર અમેરિકાની આર્થિક સ્થિતિ ઉપર પણ જોવા મળશે. કૃષ્ણમૂર્તિએ એમ પણ કહ્યું છે કે, આવી પરિસ્થિતિનો લાભ લઈને અન્ય દેશો અમેરિકામાંથી બહાર થયેલા ભારતીયોને નોકરી આપશે અને અમેરિકામાં રોકાણ કરવાને બદલે અન્ય દેશોમાં રોકાણ કરશે. આ સાથે તેઓએ ટ્રમ્પનો પ્રસ્તાવ રદ થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. ડેમોક્રેટિક સાંસદ તુલસી ગબાર્ડે કહ્યું છે કે, એચ 1બી વિઝાના કઠોર નિયમો પરિવારોને અલગ કરશે. વધુમાં પ્રતિભાને અસર પહોંચતા બંને દેશોના સંબંધોમાં પણ અસર જોવા મળશે. આ ઉપરાંત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના નિયમો ઉપર ચિંતા વ્યક્ત કરી છે. અત્યારના નિયમ પ્રમાણે એચ 1બી વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝાધારક અમેરિકામાં રોકાઇ શકે છે. જો કે નવા નિયમો પ્રમાણે સમયમર્યાદા પૂરી થયા બાદ ગ્રીન કાર્ડ જારી થાય ત્યાં સુધીના સમયમાં અમેરિકામાં રોકાવા ઉપર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer