સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતની 89 બેઠકો માટે 69 ટકા મતદાન

સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતની 89 બેઠકો માટે 69 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું શાંતિપૂર્ણ મતદાન

અમદાવાદ, તા. 9 : જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક માટે  શાંતિપૂર્ણ રીતે સરેરાશ 68 ટકા મતદાન થયું છે. જો કે, ચૂંટણીપંચ દ્વારા સાંજે જાહેર કરાયેલા આ આંકડામાં આંશિક ફેરફારની શક્યતા વ્યકત કરવામાં આવી હતી.
2012માં આ 89 બેઠક માટે થયેલા 71.32 ટકા મતદાનની આ વખતે લગભગ સવા ત્રણ ટકા સરખામણીએ ઓછું મતદાન થયું છે. સૌથી વધુ મોરબી અને નવસારીમાં મતદાન થયું છે. 
પોસ્ટર યુદ્ધ, વડાપ્રધાન માટે અપશબ્દનો પ્રયોગ, ટેકેદારો પર હુમલાના બનાવો અને હાર્દિક ફેક્ટર વચ્ચે કોઇ ગંભીર ઘટના સામે આવી નહોતી. આજે મતદાનમાં ઇવીએમમાં ખામી સર્જાવાથી સવારથી ફરિયાદો વચ્ચે ભાજપ અને કોંગ્રેસે સામસામા જીતના દાવા કર્યા હતા.
જેના પર સમગ્ર રાષ્ટ્રની નજર રહી છે એવી આ ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કોંગ્રેસ નેતાઓ શકિતસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા સહિતના 977 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. સવારે 8થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલ્યા બાદ લાઇનમાં ઊભા રહેલા મતદારોને ટોકન આપવામાં આવ્યા હતા અને લાઇનમાં ઊભા રહેલા તમામને મતદાનની તક અપાઇ હતી.
કુલ 182 બેઠકોમાંથી પહેલા તબક્કામાં 89 સીટો પરનું મતદાન થયું હતું અને હવે 14 ડિસેમ્બરે બાકીની 93 બેઠકો પર બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થશે. 18 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો જાહેર કરાશે.
આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાનની ટકાવારીના આંકડા મુજબ સરેરાશ 68 ટકા મતદાન થયું છે. જેમાં કચ્છમાં 63 ટકા મતદાન નોંધાયું હતું.  2012માં કચ્છમાં થયેલા 68.25 ટકા મતદાનની ગણતરીએ સવા પાંચ ટકા મતદાન ઓછું થયું છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 71.71 ટકા જેટલું ધીંગું મતદાન નોંધાયું હતું જયારે ચૂંટણી પૂર્વે ખૂબ ગાજેલા સૌરાષ્ટ્રમાં 65.63 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં સૌથી વધુ નવસારી અને મોરબીમાં 75 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. જયારે બોટાદ અને પોરબંદરમાં સૌથી ઓછું 60 ટકા મતદાન થયું છે. 2012ની ચૂંટણીની તુલનામાં સરેરાશ તમામ જિલ્લામાં 1થી 2 ટકા જેટલું ઓછું મતદાન થતાં ચૂંટણીનું ચિત્ર વધુ ઘેરું બન્યું છે. આ સ્થિતિ હવે ભાજપને ફળશે કે કોંગ્રેસને તેની ચર્ચા અને અટકળબાજીનો દોર શરૂ થયો છે.
આજે સૌથી વધુ રસાકસી રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ વચ્ચે યોજાઇ હતી.
ક્યાં કેટલું મતદાન? (ટકાવારી)
સૌરાષ્ટ્ર-કચ્છ
જિલ્લો                    2012                    2017
રાજકોટ                  71.58                   70
મોરબી                       -                       75
જામનગર               69.03                   65
દેવભૂમિ દ્વારકા             -                      63
જૂનાગઢ                  70.38                  65
ગિર સોમનાથ              -                      70
અમરેલી                  67.85                  67
ભાવનગર                69.89                  62
બોટાદ                        -                      60
પોરબંદર                 66.90                  60
સુરેન્દ્રનગર              70.59                  65
કચ્છ                        68.25                  63
દક્ષિણ ગુજરાત
નર્મદા                      83.27                 73
ભરૂચ                       75.82                  71
સુરત                       69.96                 70
તાપી                       81.36                 73
ડાંગ                        69.79                  70
નવસારી                  76.54                  75
વલસાડ                   74.40                  70
કુલ                         70.75                  68

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer