ગુજરાતની ચૂંટણી મોદી કે રાહુલ માટે નહીં, જનતાના ભવિષ્ય માટે : રાહુલ ગાંધી

ગુજરાતની ચૂંટણી મોદી કે રાહુલ માટે નહીં, જનતાના ભવિષ્ય માટે : રાહુલ ગાંધી
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.9 : કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજા તબક્કાના 14 ડિસેમ્બરે થનારા મતદાનના પ્રચાર માટે ઉત્તર ગુજરાતમાં પાટણના હારીજ, વડગામમાં કણોદર, વડનગર તેમ જ વીજાપુરના લાડોલ ગામે જનસભા સંબોધી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આજે પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને ચાર દિવસ પછી બીજા તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણી મોદીજી કે રાહુલ માટેની  નથી, ગુજરાતની જનતાના ભવિષ્ય માટેની છે. 
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મોદીજીએ પોતાની ઇમેજ બનાવવા માટે રૂા.3,700 કરોડ જાહેરખબરો પાછળ ખર્ચી માત્ર પોતાનું માર્કેટીંગ કર્યુ છે. ગુજરાતની  સચ્ચાઇ એ છે કે ગત 22 વર્ષ દરમિયાન 5 થી 10 ઉદ્યોગપતિઓને ગુજરાતની જનતાના પરસેવાના  પૈસા આપી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસની સરકાર આવશે તો આવી  5-10 ઉદ્યોગપતિઓ પાસે જતી રકમ લોકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ ખર્ચ કરાશે.
રાહુલ ગાંધીએ તાતા નેનો પ્રોજેક્ટને અપાયેલી  રાહતો અને પ્રોત્સાહનો પર તીખા પ્રહારો કરતાં કહ્યું કે  કૉંગ્રેસની યુપીએ સરકારે મનરેગા યોજનામાં જેટલું ભંડોળ આપ્યું છે તેટલું મોદી સરકારે ગુજરાતમાં ફક્ત એક ઉદ્યોગપતિને આપ્યું છે. પ્રજાની પરસેવાની કમાણીના 33000 કરોડ રૂપિયા તાતાના નેનો પ્લાન્ટને આપવામાં આવ્યા છે.  આટલું ભડોળ આપ્યું હોવા છતાં ગુજરાતમાં આજે એકપણ નેનો કાર દેખાતી નથી. ગુજરાતમાં ઉદ્યોગપતિઓના દેવાં માફ થાય છે, ખેડૂતોના નહીં. તમને રાતે વીજળી મળે છે પરંતુ ટાટા નેનોને 24 કલાક વીજળી મળે છે. આમ, 33,000 કરોડ રૂપિયા તમારી જમીન, વીજળી, પાણી બધુ જ ગાયબ થઇ ગયા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer