ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય શ્રીલંકાનો વધુ એક સફાયો

ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય શ્રીલંકાનો વધુ એક સફાયો
 
ધર્મશાલામાં આજે પહેલી વન ડેમાં વરસાદના વિઘ્નની વકી: મૅચ 11-30થી શરૂ થશે

ધર્મશાલા, તા.9: નિયમિત સુકાની વિરાટ કોહલી વિના આવતીકાલ રવિવારથી શરૂ થઇ રહેલી ત્રણ વન ડેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો વધુ એક વ્હાઇટવોશ કરવાના ઇરાદે મેદાને પડશે. આવતીકાલે અહીં પહેલો વન ડે મેચ રમાશે. જેમાં વરસાદ અને બરફવર્ષા પડે તેવી આગાહી થઇ છે. ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતા બેટસમેન અંજિકયા રહાણેનું ફોર્મ છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ વન ડેના નંબર વન બેટસમેન અને સુકાની વિરાટ કોહલીની ગેરહાજરીનો લાભ લઇને ભારત સામે જીતના ઇરાદે મેદાને પડશે. મેચ સવારે 11-30 વાગ્યાથી શરૂ થશે.
દિલ્હીના પ્રદૂષણ અને ઘોંઘાટથી દૂર હિમાચલ પ્રદેશના ખૂબસુરત વાદીઓમાંના ક્રિકેટ સ્ટેડિયમ પર આ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાત્રી અને ઇનચાર્જ કેપ્ટન રોહિત શર્માનો ઉદેશ યોગ્ય ઇલેવન પસંદ કરીને જીતનો ક્રમ જાળવી રાખવા પર રહેશે. અહીંની ઉછાળવાળી પિચ પર ટોસ મહત્ત્વનો બની રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પહોંચવા ઉપરાંત ભારતીય ટીમ સતત પ વન ડે શ્રેણી જીત મેળવી ચૂકી છે. ભારત જો આ શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી સફાયો કરશે તો તે આઇસીસી ક્રમાંકમાં નંબર વન પર આવી જશે. જો કે ટીમને પ્રેરણાદાયી સુકાની વિરાટની ખોટ પડશે.  જો કે રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાધવ અને એમએસ ધોનીના રૂપમાં એવી બેટિંગ લાઇનઅપ છે જે કોઇ પણ હરીફ ટીમને ભારે પડી શકે છે. જો કે શિખર ધવન તાવમાં સપડાયો હોવાથી તેનું પહેલા વન ડેમાં રમવું શંકાસ્પદ છે. આથી રહાણેને દાવનો પ્રારંભ કરવાનો કદાચ મોકો મળી શકે છે.જો કે તે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહયો છે. બોલિંગમાં ભારત અનુભવી બુમરાહ, ભુવનેશ્વર અને નવી સ્પિન જોડી કુલદિપ-ચહલનું કોમ્બીનેશન જાળવી રાખવાનું પસંદ કરશે.
બીજી તરફ પ્રવાસી શ્રીલંકાની ટીમ ત્રીજો ટેસ્ટ બચાવીને રાહત અનુભવી રહી છે. નવા સુકાની તિસારા પરેરાના નેતૃત્વમાં તે ભારત સામેની પાછલી હારોને ભૂલીને જીતથી વન ડે શ્રેણીનો પ્રારંભ કરવાનો લક્ષ્ય રાખશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer