ઇવીએમથી વોટિંગ અંગે લોકોની શંકાના નિવારણની જવાબદારી ચૂંટણી પંચની : રાજીવ શુકલ


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.9: મતદાન દરમિયાન જો વોટિંગને લઇને લોકોના મનમાં શંકા જન્મે તો તેના નિવારણની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની રહે છે. ચૂંટણી પંચે લોકોને વિશ્વસનીય અને ન્યાયી ચૂંટણીની ખાતરી આપવાની જવાબદારી નિભાવવી જ પડે એમ અત્રે કૉંગ્રેસના નેતા રાજીવ શુક્લએ અમદાવાદની મુલાકાત દરમિયાન ઇવીએમ મુદ્દે સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું. ઇવીએમમાં ગરબડોની શંકા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શુક્લએ ઉમેર્યુ હતું કે, કૉંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સહિતના અન્ય રાજકીય પક્ષોએ અગાઉ પણ આ શંકા વ્યક્ત કરી હતી તેથી મતદાન સમયે મતદારના મનમાં કોઇપણ શંકા રહેવી ના જોઇએ અને જો તે ઉદ્દભવે તો, તેના નિવારણની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની રહે છે. 
શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં જે પ્રકારે લોકોએ ઉત્સાહપૂર્વક મતદાનકર્યું તે જોતા ગુજરાતમાં આ વખતે પરિવર્તન જણાઈ રહ્યું છે. ગુજરાતના સાઈલન્ટ વોટરોએ તેમની ભાવના આ વખતના મતદાનમાં પ્રગટ કરી છે. ભાજપના છેલ્લાં 22 વર્ષના કુશાસનથી ગુજરાતના લોકો મુક્તિ મેળવશે અને આ વખતે કૉંગ્રેસની સરકાર બનશે. 
વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શુક્લએ જણાવ્યું હતું કે, આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે વડા પ્રધાનપદ પર રહેલ વ્યક્તિ ગુજરાતના લોકોની કે વિકાસની વાત કર્યા સિવાય બીજી બધી અને મુદ્દાઓથી ભટકીને વાત કરી રહી છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાનને પૂછેલા દસ સવાલોનો જવાબ અત્યાર સુધી મોદીજી કે ભાજપે આપ્યા નથી. મોદીજી પાસે જવાબ આપવા જેવુ કંઇ છે જ નહી અને તેથી તેઓ મુદ્દાથી ભટકીને બીજી બધી વાતો કરી રહ્યા છે.
પાટીદારોને અનામત બંધારણીય રીતે આપી શકાય તેમ નથી તેવા ભાજપના નેતા અરુણ જેટલીના આરોપોનું ખંડન કરતા શુક્લએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ બંધારણીય મર્યાદામાં રહીને સૌને સાથે રાખીને અનામત મુદ્દે સુખદ ઉકેલ લાવશે. કૉંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં કહેલી તમામ વાતો પાળી બતાવશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer