ચક્રવાત ઓખી : કન્યાકુમારીની 66 બોટ અને 713 માછીમાર હજુ લાપતા

 
હજુ સુધી 170 કરોડના નુકસાનનો અંદાજ : તંત્રો દ્વારા આકલન શરૂ

કન્યાકુમારી, તા. 9 : ઓખી વાવાઝોડાને દિવસો વીતી ગયા છે ત્યારે હજુ પણ આ જિલ્લાની 66 બોટ લાપતા છે અને 713 માછીમારની ભાળ મેળવવી બાકી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
છેલ્લામાં છેલ્લા આંકડા અનુસાર 66 બોટ્સની ભાળ મેળવવી બાકી છે અને 713 કરતાં પણ વધુ માછીમારોને બચાવવાના બાકી છે એમ કન્યાકુમારી જિલ્લા કલેક્ટર સજ્જનસિંહ ચવાણે આજે જણાવ્યું હતું.
વાવાઝોડાને કારણે અત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ અને ગુજરાતમાં રહેલા રાજ્યના 2478 માછીમારોને પરત લાવવાનાં પગલાં ભરાઈ રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં ચક્રવાતથી થયેલા નુકસાનનું  આકલન કાઢી રહેલી સમિતિ અનુસાર હજુ સુધી 170 કરોડનો આંકડો અપાયો છે.
તેમણે કહ્યું કે, હજુ પણ ગણતરી જારી હોવાથી આવતીકાલે નુકસાનનો અંતિમ અંદાજ જાણવા મળી શકે.
ઉલ્લેખનીય છે કે ચક્રવાત ઓખીમાં 4495 મકાનોને નુકસાન થયું હતું અને 93 લાખ રૂા. રાહતપેટે આપવામાં આવ્યા હતા.
પાણી, વીજળી જેવી પાયાની સુવિધા પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer