સૌરાષ્ટ્રમાં 2012?કરતાં ત્રણ ટકા ઓછું મતદાન


 
અમદાવાદ, તા. 9 : મોટા ભાગની બેઠકો ઉપર સવારથી જ આ જ  પ્રવાહ જોવા મળ્યો હતો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ આવો જ માહોલ હતો. સુરતમાં ઓછામાં ઓછી સાત બેઠકો ઉપર પટેલ ઉમેદવારો સામસામા હોઇ ત્યાં પણ તીવ્ર રસાકસીનો અનુભવ થયો હતો.
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના પત્ની અંજલિબેન રૂપાણી, માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા, કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજયગુરુ સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ઉમેદવારો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, કોંગ્રેસના લાખાભાઇ સાગઠિયા, રાજકોટના મેયર જૈમનભાઇ ઉપાધ્યાયે પણ તેમના વિસ્તારમાં વહેલી સવારે મતદાન કર્યું હતું.
રાજકોટ સિવાય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના મોઢવાડામાં, પરેશભાઇ ધાનાણીએ અમરેલીમાં, વીરજીભાઇ ઠુંમરે વાવડી (કુંકાવાવ)માં, જીતુભાઇ વાઘાણીએ ભાવનગરમાં, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઇશ્વરિયા (અમરેલી)માં, મનસુખભાઇ માંડવિયાએ હણોલ (પાલીતાણા)માં, આર.સી. ફળદુએ કાલાવડમાં અને દિલીપભાઇ સંઘાણીએ માળીલા (અમરેલી)માં મતદાન કર્યું હતું.
કચ્છની છ બેઠકો ઉપર પણ ભારે મતદાન થયું હતું. રાજકોટમાં 35 અને પોરબંદરમાં 10 સહિત વિવિધ સ્થળોએ ઇવીએમ અને વીવીપેટ મશીનમાં ખામી હોવાની કે બગડયાની ફરિયાદો ઊઠી હતી. આ બધા સ્થળે ચૂંટણી તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા હતા.
આજના મતદાનમાં 50 ટકા મતદારો 40 વર્ષથી નીચેની વયના છે અને તેમાં ઘણા મતદારો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે. આજના ભારે મતદાનનું કારણ અનેક મતદાતા પ્રથમ વખત મતદાન કરતાં હોવાથી તેમનો ઉત્સાહ અનેરો હતો.
આજના મતદાનમાં જે બે વિશિષ્ટતા જોવા મળી તે હતી યુવાન મતદારોનો ધસારો અને બીજી તરફ વયોવૃદ્ધ અને અશકત મતદારોનો પણ મોટો પ્રવાહ. આજના મતદાનના દિવસે પણ કયાંક કયાંક પોસ્ટર લગાવાયાની અને પ્રચાર થતો હોવાની ફરિયાદો ઊઠી હતી, પણ એકંદર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
રાજકોટમાં મુખ્યપ્રધાન  વિજયભાઇ રૂપાણીએ તેમના પરિવાર સહિત તમામે રાજકોટના રૈયા રોડ પર આવેલી જ્ઞાનગંગા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આજે સવારથી જ કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશીન ખોટવાતાં ચૂંટણીપંચે તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર એક કલાક સુધી મોડું મતદાન શરૂ થયું હતું. પોરબંદર સહિત અનેક જગ્યાએ ઇવીએમ મશીન બ્લુટૂથ સાથે કનેક્ટ થતું હોવાની અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ અંગે ચૂંટણીપંચે કંપનીના એન્જિનીયરને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.
સવારના 8 વાગ્યાથી લોકો મતદાન કરવા નીકળી પડયા હતા. બપોરના 3 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું અને 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ નવસારીમાં 43 ટકા, ડાંગમાં 38 ટકા, વલસાડમાં 38 ટકા અને ગીર સોમનાથમાં લગભગ 40 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer