યુપી બાદ ગુજરાતમાં પણ ભવ્ય જીત મેળવીશું : અરુણ જેટલી

યુપી બાદ ગુજરાતમાં પણ ભવ્ય જીત મેળવીશું : અરુણ જેટલી

ભાજપ પહેલાથી જ હિન્દુવાદી, નકલ ઉપર કોણ ભરોસો કરશે : જેટલીએ રાહુલ ઉપર નિશાન તાક્યું

સુરત, તા. 2 : ગઈકાલે ઉત્તર પ્રદેશની નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્યજીત બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ભવ્યજીત મળશે તેવો વિશ્વાસ આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ વ્યક્ત કર્યો હતો. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં દેશનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. જીએસટી લાગુ થયાનાં ત્રિમાસિક ગાળાનાં બે દિવસ પહેલાં જ આવેલાં જીડીપીનાં આંકડા દેશનાં વિકાસની ગતિ દર્શાવે છે. વડાપ્રધાન મોદીનાં વડપણ હેઠળ દેશની પ્રગતિ જેટ સ્પીડે થઈ રહી છે. જેટલીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ હંમેશા હિન્દુત્વવાદી પક્ષ રહ્યો છે પણ જો કોઈ ભાજપની નકલ કરવા માગે તો કોઈ ફરીયાદ નથી. જો કે રાજનિતીમાં એક પાયાનો સિધ્ધાંત છે કે, અસલી ઉપલ્બ્ધ હોય તો નકલ ઉપર ભરોસો કરવામાં આવતો નથી. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર દરમિયાન મંદિરોની મુલાકાત કરી રહ્યા  હોવાથી જેટલીએ નિશાન તાક્યું હતું. 
તેમણે વિકાસની વાત મુદ્દે ટાંક્યું હતું કે, ગુજરાતની ચૂંટણી માત્રને માત્ર વિકાસનાં મુદ્દે થઈ રહી છે. રાજ્યમાં 22 વર્ષનાં ભાજપનાં શાસનમાં લોકો આવીને જોઈ શકે છે. અમે વીજળી, પાણી, રોડ-રસ્તા લોકોને આપ્યા છે. લોકોને પ્રાથમિક જરૂરીયાતો ઉપરાંત આરોગ્યની સેવા અને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડી છે.
અમને આગામી ચૂંટણીમાં ભવ્ય જીતનો વિશ્વાસ છે. અમે આગળ પણ ટેકનોલોજીની મદદથી લોકોને વધુમાં વધુ અને ક્વોલીટી સુખ-સુવિધા આપવા કટીબધ્ધ છીએ. તેમણે જીએસટી મુદ્દે કહ્યું હે, વન નેશન-વન ટેક્સનું સપનું સાકાર થયું છે. જીએસટીનાં કાયદામાં સરળીકરણ ચાલુ જ છે અને હજુ પણ તેમાં સમયની માગ સાથે ફેરફાર અને સુધારા થશે. વિરોધીઓને આડે હાથે લેતાં નાણાપ્રધાને કહ્યું હતું કે, વિરોધીઓ ગુજરાતમાં આવીને જુએ અને પછી પોતાનાં ભૂતકાળને યાદ કરે. 
અત્યાર સુધી ભૂતકાળમાં કોઈપણ ચૂંટણીમાં કૌંભાંડોની ચર્ચા થતી હતી. અમે શાસનમાં આવ્યા પછી લોકો વિકાસની ચર્ચા કરતાં થયા છે.
ભાજપે લોકોને વિકાસ કરી દેખાડયો છે. 18મીએ પરિણામ આવ્યા બાદ વિરોધીઓનાં મોઢા બંધ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer