વેપારીઓની સમસ્યાઓ સરકાર અને જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવાની ફામની ખાતરી

વેપારીઓની સમસ્યાઓ સરકાર અને જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવાની ફામની ખાતરી

ફામનું પ્રતિનિધિમંડળ ગુજરાતમાં

અમદાવાદ, તા. 2 : ફેડરેશન અૉફ એસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર (ફામ) તેની પાંખો ફેલાવી રહ્યું છે અને રાજ્યોની સરહદો પાર કરીને તે ગુજરાત પહોંચ્યું છે. વિનેશ મહેતાના નેતૃત્વ અને વિધાનસભ્ય રાજ પુરોહિત તેમ જ કોર્પોરેટર અતુલ શાહના માર્ગદર્શન હેઠળ ફામની ટીમ આગેકૂચ કરી રહી છે.
ફામનું એક પ્રતિનિધિમંડળ હાલ ગુજરાતમાં છે અને આ પ્રતિનિધિમંડળના સભ્યો વિવિધ વેપારીઓ ખાસ કરીને કાપડના વેપારીઓ અને યાર્ન મર્ચન્ટસને મળ્યા હતા અને તેમણે જીએસટી અને તેના ફાયદાઓ વિશે ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલી કોઈ પણ સૂચનો તેમ જ વેપારી આલમની સમસ્યાઓ સાંભળવા અને જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરવા તૈયાર છે એટલે કોઈ પણ વેપારીએ જીએસટીની ચિંતા કરવાની જરૂર નથી.
ફામે વેપારીઓને એવી ખાતરી આપી હતી કે વેપારી આલમના ફાયદા માટે જીએસટીના અમલમાં કોઈ સમસ્યા હશે તો તે સંયુક્ત રીતે સરકાર અને જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરશે તેમ જ સમગ્ર વેપારી આલમના ભલા માટે કોઈ સૂચન હશે તો તેના પર ચર્ચા કરવા અને તેનો સ્વીકાર કરવા તે તૈયાર રહેશે. ફામના પ્રતિનિધિમંડળે ત્યાર બાદ સુરત ભાજપના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને પક્ષના હોદ્દેદારો નીતિન ભજિયાવાલા (પ્રમુખ), મદન સિંહ અને કિશોર (મહામંત્રી)ને મળ્યા હતા. આશિષ સેલાર (મુંબઈ ભાજપ પ્રમુખ), દર્શનાબેન (સુરતનાં સાંસદ) અને રાજ પુરોહિતે યુપીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય માટે અભિનંદન આપ્યા હતા અને વેપારી આલમ તેમની સાથે છે એવી ખાતરી આપી હતી.
રાજ પુરોહિતે જણાવ્યું હતું કે વેપારીઓએ ભયમુક્ત રહીને કામ કરવું જોઈએ અને આગામી સમયમાં જીએસટી ભારતના વિકાસમાં મદદ કરશે. ફામના પ્રમુખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની અપીલ કરી હતી. ફામના પ્રતિનિધિમંડળમાં વિનેશ મહેતા (પ્રમુખ), જીતેન્દ્ર શાહ (મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટસ એસો.), ઉત્તમ જૈન (હિન્દુસ્તાન ચેમ્બર અૉફ કૉમર્સ), રસિક કોઠારી (બૉમ્બે નોન ફેરસ મેટલ એસો.), પ્રિતેશ શાહ (રેફ્રિજરેશન એન્ડ ઍરકન્ડિશનિંગ ટ્રેડ એસો.), પરેશ કડકિયા (બૉમ્બે પાઈપ ફિટિંગ્સ મર્ચન્ટસ એસો.), નિમિત શાહ (બૉમ્બે ગુડ્સ ટ્રાન્સ. એસો.), કમલેશ મોદી (ધી ઈલેક્ટ્રિક મર્ચન્ટસ એસો.), કિશોર શાહ (ફેડરેશન અૉફ બૉમ્બે રિટેલ કલોથ ડીલર્સ એસો.), ચંદ્રશેખર પૂજારા (ફેડરેશન અૉફ બૉમ્બે રિટેલ કલોથ ડીલર્સ એસો.), અશોક શાહ (બૉમ્બે આયર્ન મર્ચન્ટસ એસો.), રશેસ દોશી (મહારાષ્ટ્ર મોટર પાર્ટસ ડીલર્સ એસો.) અને રાજેન મહેતા (મહારાષ્ટ્ર મોટર પાર્ટસ ડીલર્સ એસો.)નો સમાવેશ થતો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer