રૂપાણીને મળવા પહોંચી શહીદની પુત્રી મામલે રાહુલના શાબ્દિક પ્રહારો

રૂપાણીને મળવા પહોંચી શહીદની પુત્રી મામલે રાહુલના શાબ્દિક પ્રહારો

નવી દિલ્હી, તા. 2 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ જીવ દઈને લાગ્યા છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક સભામાં શહીદની પુત્રી સાથે થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આ ઘટનાને શહીદના પરિવારનું અપમાન ગણાવ્યું છે. રાહુલે શહીદની પુત્રીને સભાની બહાર ફેંકીને મુખ્યમંત્રીએ માનવતાને શરમાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, શહીદના પરિવારને જમીન, મકાન બનાવવા જગ્યા અને પેન્શન સહિતની સુવિધા સરકાર દ્વારા અપાઈ છે. 
ગુજરાતમાં એક રેલી દરમિયાન શહીદ બીએસએફ જવાનની પુત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચી હતી. જો કે મહિલા પોલીસ કર્મીઓને તેને રોકી હતી અને ઢસડીને સભાની બહાર કરી દીધી હતી.  રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કર્યું હતું કે, પરમ દેશભક્ત રૂપાણીએ શહીદની પુત્રીને સભાની બહાર ફેંકાવીને માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકી છે. 15 વર્ષથી શહીદના પરિવારને કોઈ મદદ મળી નથી માત્ર વચનો મળ્યા છે. બીજી તરફ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, શહીદના પરિવારને જમીન, પેન્શન સહિતની સુવિધા ઉપલ્બધ કરાવવામાં આવી છે.  જે યુવતી સાથે અયોગ્ય વ્યવહાર થયો તે શહીદ અશોક તડવીની પુત્રી રૂપલ તડવી હતી અને મુખ્યમંત્રી સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરવા માગતી હતી. અશોક તડવી શહીદ થયા પછી સરકારે તેમના પરિવારને કથિત જમીન આપવા કહ્યું હતું. જો કે જમીન ન મળતા રૂપલ તડવી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સભામાં જમીન બાબતની રજૂઆત માટે મુખ્યમંત્રી મળવાની માગ કરી હતી. જો કે પોલીસે તેને રોકીને સભાની બહાર કરી દીધી હતી. મુખ્યમંત્રી સભા ઉપરથી કહ્યું હતું કે, તેઓ રૂપલ તડવીને કાર્યક્રમ પૂરો થયા પછી મળશે. જો કે મુલાકાત થઈ નહોતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer