રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે? આવતા સપ્તાહે આરબીઆઈની મિટિંગ પર નજર

રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે? આવતા સપ્તાહે આરબીઆઈની મિટિંગ પર નજર
 
મુંબઈ, તા. 2 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આગામી સપ્તાહમાં (ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં) મળી રહી છે ત્યારે કમિટી તેના પોલિસી - વ્યાજદરમાં ફેરફાર કરે એવી શક્યતા ઓછી ગણાય છે. મોટા ભાગના અર્થ નિષ્ણાતોએ એક સર્વેમાં આવી કોઈ પણ પ્રકારની શક્યતા નકારી કાઢી છે.
જીડીપી વૃદ્ધિદર, ઉત્પાદન ક્ષેત્ર માટેના પીએમઆઈમાં વધારો વગેરે અર્થતંત્રના મહત્ત્વનાં પરિબળો અનુકૂળ જણાતા રિઝર્વ બૅન્કે રેપોરેટ ઘટાડો કરવો જોઈએ એવી કોઈ સ્થિતિ જણાતી નથી. બૅન્કિંગ સિસ્ટમમાં પ્રવાહિતા ઘટી રહી છે. નેટ ધોરણે જોઈએ તો બૅન્કોએ તેમની રૂપિયા 42,839 કરોડની વધારાની બેલેન્સ રિઝર્વ બૅન્કમાં મૂકી છે. માર્ચમાં આ આંક રૂપિયા 6 લાખ કરોડનો રહ્યો હતો. પ્રવાહિતા ઘટી રહી હોવાથી કેટલીક બૅન્કો લાંબા ગાળાની ડિપોઝીટ પર વ્યાજદર વધારવાની હિલચાલ કરી રહી છે.
જોકે, સરકાર આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવા રેપોરેટમાં ઘટાડો થાય એમ ઇચ્છે છે.
આવતા સપ્તાહે પાંચમી અને છઠ્ઠી તારીખે મળી રહેલી બેઠકમાં ફુગાવો તથા ખરીદ અને રવી પાકના ઉત્પાદન પર લક્ષ્ય રહેશે. રેપોરેટ હાલ 7 ટકા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer