ઈપીએફની વેતન મર્યાદા વધારીને રૂા. 21,000 કરાશે

 
નવી દિલ્હી, તા. 2 : ફરજિયાત એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)ની માસિક વેતન મર્યાદા રૂા. 15,000થી વધારીને રૂા.21,000 કરવામાં આવશે. સરકારના આ પગલાથી એપ્લોઈસ પેન્શનલ સ્કીમ (ઈપીએસ)ની જાવક 50 ટકા વધી રૂા. 3000 કરોડ થશે. સરકારના આ નિર્ણયથી સક્રિય ઈપીએફ સબક્રાઈબર્સ 50 લાખ વધીને કુલ 4.25 કરોડ જેટલા થશે. કામગાર મંત્રાલય દ્વારા મર્યાદામાં વધારો કરવાનો પ્રસ્તાવ લાંબા સમયથી વિલંબિત હતો. નાણા મંત્રાલયે કામગાર મંત્રાલયને આ પ્રસ્તાવમાં નાણાકીય આકારણી કરવા માટે જણાવ્યું હતું, તાજેતરમાં ઈનપુટ્સ મેળવ્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. 
રૂા. 15,000 થી ઓછું કમાતા સબક્રાઈબરને સરકાર તેમના વેતનના 1.16 ટકા ચૂકવે છે. વર્તમાન નિયમ મુજબ, 20 થી વધારે લોકો કામ કરતા હોય એવા એકમમાં કામગારોને ઈપીએફ લાભ આપવો ફરજિયાત છે. 
કર્મચારીએ તેમના વેતનના 12 ટકા ઈપીએફમાં ચૂકવવાના રહે છે. કર્મચારી 8.33 ટકા ઈપીએસમાં અને 3.67 ટકાની ઈપીએફમાં ફાળવણી કરે છે. તેમ જ કર્મચારી 0.5 ટકા એપ્લોઈ ડિપોઝીટ લિન્ક્ડ સ્કીમ (ઈડીએલઆઈ), 0.65 ટકા ઈપીએફ એડમિનિસ્ટ્રેશન ચાર્જિસ અને ઈડીએલઆઈ હેન્ડલિંગ ફીના રૂપે 0.01 ટકા ચૂકવે છે. પગારનું સ્તર ઊંચું હોય તો પણ કારીગરો અને કર્મચારીઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. સરકાર પ્રતિ મહિને રૂા. 1,000નું ન્યૂનતમ પેન્શનની ચૂકવણી કરવા માટે વાર્ષિક રૂા. 3,000 કરોડનું અનુદાન ફાળવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer