મુંબઈમાં ગયા વર્ષે દરરોજ સરેરાશ પાંચ બાળકોનું અપહરણ થયું હતું

 
મુંબઈ, તા. 2 : ગયા વર્ષે મુંબઈમાં સગીરોનાં અપહરણના 1940 કિસ્સા સામે આવ્યા હતા. જોકે, આ બાબતમાં દિલ્હી મુંબઈથી આગળ રહ્યું હતું. જ્યાં છેલ્લા એક વર્ષમાં 5769 સગીરોનાં અપહરણ કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં સરેરાશ રોજના આવા પાંચથી વધુ કિસ્સા બન્યા હતા.
મહારાષ્ટ્રમાં બાળકોનાં અપહરણના જેટલા કિસ્સા બને છે તેના ચોથા ભાગના કિસ્સા મુંબઈમાં બને છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે કુલ 8260 સગીરોનાં અપહરણ થયાં હતાં. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રનો નંબર આ બાબતમાં લાગે છે.
એનસીઆરબીના અહેવાલ મુજબ, મુંબઈમાં અપહરણનો ભોગ બનનારાઓમાં મોટા ભાગનાં 12 વર્ષથી 15 વર્ષની વચ્ચેની 15 જૂથનાં હતાં. 
પોલીસે આ માટે સગીરો ઘરમાંથી નાસી જતાં હોવાનું, પ્રેમી કે પ્રેમીકા સાથે ભાગી જતાં હોવાનું, બળાત્કાર માટે, દત્તક લેવા, બદલા માટે કે હત્યા અને બાનની રકમ માટે આવા કિસ્સા બનતા હોવાનાં કારણો આગળ ધર્યાં હતાં.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લાપતા થવા માટે ખાસ કરીને છોકરી કોઈ યુવાન સાથે ભાગી જાય ત્યારે અપહરણનું કારણ આપવામાં આવે છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, બાનની રકમ માટે અપહરણના બહુ થોડા કિસ્સા સામે આવ્યા હતા. બાળકો અપહરણકર્તાઓના સરળતાથી નિશાન બની જતાં હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer