ગુજરાતની બે તબક્કાની ચૂંટણીમાં 102 બેઠકો પર અનુસૂચિત જાતિનો દબદબો

 
હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા.2: રાજ્યની નવમી અને ચૌદમી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી જ્ઞાતિ આધારિત બની રહી છે અને રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસ દ્વારા પણ જ્ઞાતિના આધારે ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી છે. રાજ્યની 182 બેઠકોમાંથી 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. પરંતુ આ 182 બેઠકોમાંથી 102 બેઠકો એવી છે કે જેના પર અનુસૂચિત જાતિ હાર- જીતનો ફેંસલો કરશે. હાલ ભલે ચર્ચામાં પાટીદાર ફેકટર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને ગણાવાતા  હોય પરંતુ જે તે પક્ષને હરાવવા કે  જીતાડવા માટે જિજ્ઞેશ મેવાણી જેની આગેવાની કરી રહ્યા છે તે અનુસૂચિત જાતિ સૌથી વધુ પ્રભાવશાળી છે. રાજ્યનાં કુલ મતદાનમાંથી 2012ના આંકડા મુજબ 32 લાખથી વધુ અનુસૂચિત જનજાતિના મતો છે. 
2012ના આંકડા મુજબ 10 બેઠકો એવી છે કે જ્યાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસતી છે. 2012ના આંકડા મુજબ વાંસદામાં 60,002, અમરાઇવાડીમાં 48,157, ગાંધીનગર ઉત્તરમાં 47,383, ગાંધીનગર દક્ષિણમાં 41,250, દસાડામાં 40,926, દાણીલીમડામાં 40,376, ગાંધીધામમાં 40,646, મહેસાણામાં 39,548, અસારવામાં 39,251 અને મણિનગરમાં 39,472 મતદાતાઓ છે. 
જ્યારે 27 બેઠકો એવી છે કે, જે તે પાર્ટીને  વધુમાં વધુ અનુસૂચિત જાતિના મતો મળે તે જીતી શકે તેવી બેઠકો જોઇએ તો ધ્રાંગધ્રામાં 37,096, કાલાવડમાં 37,661, માણસામાં 37,949, કલોલમાં 35,880, દહેગામમાં 35,900, ગણદેવીમાં 34,900, ધોળકામાં 33,641, માંડવીમાં 32,252, બેચરાજીમાં 31,776, ઇડરમાં 31,148, અંજારમાં 31,972, વડોદરા સિટીમાં 30,863, સયાજીગંજમાં 28,022, નારણપુરામાં 28,439, વાવમાં 27,000, વિરમગામમાં 26,753, ખાડિયામાં 26,524, એલિસબ્રીજમાં 26,079, કડીમાં 26,450, થરાદમાં 25,003, પાટણમાં 25,415, વેજલપુરમાં 25,818, માણાવદરમાં 25,550, અબડાસામાં 25,022, વાગરામાં 25,325 સહિત જલાલપોરમાં 25,203નો સમાવેશ થાય છે. 
આ ઉપરાંત 25 બેઠકો એવી છે કે, સામાન્ય રીતે એક બાજુ વોટ પડે અથવા તો એમાના વોટ 80 ટકા જો કોઇપણ પક્ષમાં પડે તો તે ઉમેદવારની લીડ વધે અથવા તો એની જીત થાય તેવી બેઠકોમાં જોઇએ તો અનુસૂચિત જાતિના મતદાતાઓમાં રાજકોટ પૂર્વમાં 24,950, સાવરકુંડલામાં 24,990, કરજણમાં 24,397, વઢવાણમાં 24,773, ચાણસ્મામાં 24,772, જામનગર ઉત્તરમાં 24,552, પાલનપુરમાં 24,200, વાસાવદરમાં 27,614, માંજલપુરમાં 23,997, હિંમતનગરમાં 23,770, ધંધુકામાં 22,008, ધાનેરામાં 22,500, અમરેલીમાં 22,540, જેતપુરમાં 22,231, દિયોદરમાં 22,259, ચોટિલામાં 21,369, ઊંઝામાં 21,984, કેશોદમાં 21,247, દ્વારકામાં 21,655, ગોધરામાં 21,325, ભરૂચમાં 21,768, ભાવનગર પૂર્વમાં 21,809, દસક્રોઇમાં 20,109, નવસારીમાં 20,503નો સમાવેશ થાય છે. 
બીજી અન્ય 40 બેઠકોમાં ભાવનગર પશ્ચિમ, કતારગામ, મહેમદાવાદ, ધારી, કોડીનાર, લીંમડી, જામનગર દક્ષિણ, ગઢડા, લાઠી, ઘાટલોડિયા, સિદ્ધપુર, વિસનગર, ડીસા, મોડાસા, પ્રાંતિજ, સાણંદ, અહોટા, રાણપુરા, ઓલપાડ, વરાછા, કાંકરેજ, પોરબંદર, ખેરાલુ, વિજાપુર, રાપર, વડગામ, ભુજ, ધોરાજી, વટવા, જામનગર ગ્રામ્ય, ભિલોડા, જૂનાગઢ, બાલાસિનોર, ઠક્કરબાપાનગર, ડભોઇ, પાદરા, સોમનાથ સહિત ઉનામાં પણ 15,000 કરતા વધુ મતદાતાઓ અનુસૂચિત જાતિના છે. 
નોંધનીય છે કે, દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ઉમેદવારી કરતા કૉંગ્રેસ પક્ષે તેને સમર્થન આપી પોતાનો ઉમેદવાર આ બેઠક પરથી ઊભો નથી રાખ્યો. કૉંગ્રેસના સમર્થનને જોતા અનુસૂચિત જનજાતિના મતોનો લાભ વધુ પડતો કૉંગ્રેસને મળશે તેમ મનાય છે. તો બીજી બાજુ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉના, વઢવાણ, સુરેન્દ્રનગર, થાનગઢ જેવી વિસ્તારમાં થેયલી કથિત ઘટનાઓને અનુસૂચિત જનજાતિના લોકો ભૂલ્યા નથી. જોકે, ભાજપે પણ અનુસૂચિત જાતિના મતોને અંકે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. આ બધા સમીકરણોની સાચી અસર તો 18 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવે ત્યારે જ ખબર પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer