`2019માં મતપત્રક, તો ભાજપની હાર''


ઉ.પ્ર.નાં પરિણામો બાદ માયાવતીનો ફરી ઇવીએમ સાથે ચેડાંનો આક્ષેપ

લખનૌ, તા. 2 : ભાજપને પડકાર ફેકતાં બહુજન સમાજ પક્ષના સુપ્રીમો માયાવતીએ આજે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, `ઇલેકટ્રોનિક વોટિંગ મશીનના સ્થાને જો મતપત્રકનો ઉપયોગ કરવામાં આવશે તો આગામી 2019માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં કેસરિયો પક્ષ હારી જાય.'
ઉત્તરપ્રદેશમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પછી બીજા ક્રમે રહેનારા પક્ષ બસપના નેતાનું આ પરિણામના બીજા દિવસે નિવેદન આવ્યું હતું. ભાજપે રાજ્યમાં 16માંથી 14 સુધરાઇઓમાં વિજય મેળવ્યો હતો. બાકીમાં બસપએ સત્તા મેળવી છે.
બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ઇવીએમના કારણે ભાજપને જીત મળી છે. માયાવતીએ પહેલા પણ આ પ્રકારના આક્ષેપો કર્યો છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેની કારમી હાર થયા બાદ ભાજપ પર ઇવીએમ સાથે ચેડાં કરવાનો માયાવતીએ આક્ષેપ કર્યો હતો.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો ત્યારે માયાવતીએ આવા જ આક્ષેપ કર્યા હતા.
સ્થાનિક ચૂંટણીના પરિણામ અંગે પુછવામાં આવતા માયાવતીએ કહ્યું હતું કે વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી બેલેટ પેપર પર થશે તો તેમની પાર્ટી ભાજપનો સફાયો કરી દેશે. માયાવતીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે જો ભાજપ ઇમાનદાર છે અને લોકશાહીમાં વિશ્વાસ રાખે છે તો તેને ઇવીએમ બંધ કરવા માટે પહેલ કરવી જોઇએ. બેલેટ પેપર મારફતે ચૂંટણી માટેની માંગ માયાવતીએ કરી હતી.
તેમણે કહ્યું હતું કે વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. માયાવતીએ દાવો કર્યો હતો કે જો બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે તો ભાજપ સત્તામાં આવશે નહી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer