સેબીએ બ્રોકરોને ગ્રાહકોના કોલ રેકર્ડ ત્રણ વર્ષ જાળવી રાખવાની સૂચના આપી


 
મુંબઈ, તા. 2 : ગેરકાયદે ટ્રેડિંગને અંકુશમાં લેવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બ્રોકરોને ગ્રાહકો સાથે થયેલી ફોન પરની વાતચીત સહિતની વિગતોનો રેકર્ડ ત્રણ વર્ષ સુધી જાળવી રાખવાની સૂચના આપી છે.
બ્રોકર વિરુદ્ધ રોકાણકાર અથવા તો ગ્રાહકના ફંડનો ગેરઉપયોગ કર્યા હોવાનો અને બિનસત્તાવાર ટ્રેડિંગ થયું હોવાની ફરિયાદોનો ઢગલો સેબી સમક્ષ થયો છે.
તેથી આ વર્ષ સેબીએ બ્રોકરોને ગ્રાહકોના ફોન કોલ્સના રેકર્ડ જાળવવા જણાવ્યું છે પરંતુ નિર્દિષ્ટ સમયગાળો જણાવ્યો નથી. બ્રોકરોના એસોસિયેશને પ્રેક્ટિકલ હેતુસર ગ્રાહકોની સમયબદ્ધ વિગતો જાળવવાની ભલામણ સેબીને કરી છે.
પરંતુ વિવાદ સર્જાયો હોય તેવા કિસ્સામાં બ્રોકરોએ તેનો ઉકેલ આવે ત્યાં સુધી સંબંધિત રેકર્ડ જાળવી રાખવા સેબીએ જણાવ્યું છે. રેકર્ડ પુરાવા ફિઝિકલ રેકર્ડમાં ક્લાયન્ટની સહી સાથેના હોય, ટેલિફોનની વાતચીત, સત્તાવાર આઈ-ડી પરના ઈમેલ, લોગ ઓફ ઈન્ટરનેટ ટ્રાન્ઝેકશન, એસએમએસ રેકર્ડ અથવા અન્ય કોઈપણ કાયદાકીય રેકર્ડ હોય તે જાળવવા જણાવ્યું છે. શૅરબજારના સોદામાં જો કોઈ વિવાદ સર્જાય તો બ્રોકરોની ગ્રાહક વતી પુરાવા રજૂ કરવાની જવાબદારી લેવી પડશે, એમ સેબીએ સ્પષ્ટ કર્યું છે.
તાંત્રિક ખામી ધરાવતી બાબતોમાં બ્રોકરે યોગ્ય પુરાવા રજૂ કરી વિવાદમાં મેરિટના આધારે ન્યાય મેળવવાનો રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer