`ઓખી'' તોફાન : 400 માછીમારને બચાવાયા


તામિલનાડુ-કેરળમાં કેટલાક વિસ્તારમાં વરસાદ બંધ, પણ સ્થિતિ હજુય ગંભીર : 16નાં મોત, મોદીએ ફોન કરી માહિતી મેળવી

ચેન્નાઈ / તિરુવનંતપુરમ, તા. 2 : ચક્રવાતી તોફાન `ઓખી'ને કારણે તામિલનાડુ અને કેરળમાં મૃત્યુઆંક 16 થયો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારતીય વાયુદળે સમુદ્રમાં લાપતા 30 માછીમારની ભાળ મેળવવા અભિયાન આરંભ્યું છે. કેરળમાં 400 માછીમારને સમુદ્રમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના મુખ્યમંત્રીથી ફોન પર વાત કરીને હર સંભવ મદદનો ભરોસો આપ્યો છે.
તામિલનાડુના તિરુનેલવેલીમાં વીતેલા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. થામિરાબરાની નદીનું જળસ્તર વધવાને કારણે કરુપનથુરીમાં ઓછી ઉંચાઈનો પુલ ડૂબી ગયો હતો.
દક્ષિણી તામિલનાડુ અને કેરળના દરિયા કાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જારી રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.  જો કે કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાઇ જવાના કારણે બચાવ અને રાહત કામગીરી ઝડપી કરવામાં આવી હતી.
 હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌથી વધુ અસરગ્રસ્ત કન્યાકુમારીમાં હજુ પણ પૂર જેવી સ્થિતિ સર્જાયેલી છે. અહીં હજારો લોકોને સુરક્ષા દળોએ બચાવી લીધા છે. 
કન્યાકુમારીમાં હજુ પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયેલા છે. અહીં 4000થી વધારે વીજ થાંભલા તૂટી ગયા છે. વીજળી વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. સ્થિતિને સામાન્ય બનાવવામાં હજુ સાત દિવસનો સમય લાગી શકે છે. એનડીઆરએફ અને બીજી બચાવ ટુકડી રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. રાહત કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં હજારો લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. 
પ્રચંડ વાવાઝોડું ઓખી હાલમાં લક્ષદ્ધિપથી 80 કિલોમીટર ઉત્તરપૂર્વે સ્થિત છે. 
તામિલનાડુ અને કેરળમાં ભારે નુકસાન કરનાર વાવાઝોડા અને ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે મોદીએ માહિતી મેળવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer