સુરતમાં ઉદ્યોગકારો અને વેપારીઓને એક પણ સવાલ કરવા દેવાયો નહિ

 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 2 : દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીનાં ઉપપ્રમુખ હેતલ મહેતા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે સંવાદમાં વન-ટુ-વન સવાલ-જવાબનો સેશન કોઈ પણ કાર્યક્રમમાં હોય છે. પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘની ઈમેજ એક ઉત્તમ અર્થશાત્રી તરીકેની છે. અમે પણ તેમની સાથે સંવાદ કરીને કંઈક નવું જાણવા ઈચ્છતા હતા, પરંતુ કમનસીબે અમને કોઈ સવાલ કરવા દેવાયો ન હતો. 
એસજીસીસીઆઈના સભ્ય અને કાર્યક્રમમાં ઉપસ્થિત ધીરજભાઈ ટાલિયાવાળા કહે છે કે, કાર્યક્રમમાં બે સવાલો સાથે પહોંચ્યો હતો. પૂર્વ વડા પ્રધાન ડૉ. સિંઘને કરન્સી ક્રાઈસીસ અને જીએસટી મુદ્દે કેટલાક સવાલ કરવા ઈચ્છતો હતો, પરંતુ અમને કોઈ જ સવાલ કરવા દેવાયા ન હતા. વેપારીઓને સવાલ કરવા ન દેવાતા હૉલમાં પાછળની લાઈનમાં બેસેલા અનેક વેપારીઓએ ડૉ. સિંઘનું ભાષણ પૂરું થયા બાદ કાર્યક્રમમાં સંવાદ ક્યાં છે ? સંવાદ ક્યાં છે?ની બૂમો પણ પાડી હતી. 
કૉંગ્રેસના આજના કાર્યક્રમમાં વેપારીઓ મોટા ભાગે નિરાશ જોવા મળ્યા હતા. અગાઉ સુરતમાં વેપારીઓ સાથેના કાર્યક્રમમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વેપારીઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરી હતી. આજના કાર્યક્રમમાં પણ વેપારીઓ અને ઉદ્યોગકારોએ આ જ પ્રકારના સવાલ-જવાબની અપેક્ષા રાખી હતી. જોકે, વેપારીઓની ઘોર અવગણના કૉંગ્રેસ દ્વારા થઈ હોવાનું સ્પષ્ટ નજરે પડયું હતું. 
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ગુજરાત રિજનના ચૅરમૅન દિનેશભાઈ નાવડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈ જ પ્રકારનું આમંત્રણ સંસ્થા કે મને વ્યક્તિ આપવામાં આવ્યું ન હતું. શહેરમાં આટલી મોટી વ્યક્તિ ઉપસ્થિત રહેવાની હોય અને ઉદ્યોગકારો સાથેના સંવાદ કાર્યક્રમમાં જીજેપીઈસીની અવગણના કરવામાં આવે તે પહેલીવાર બન્યું છે. 
ઉલ્લેખનીય છે કે, ડૉ. મનમોહન સિંઘના આજના કાર્યક્રમમાં વેપારીઓની થયેલી ઘોર અવગણનાથી રાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer