ભાજપની 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર નવા 27 ચહેરાનો સમાવેશ

ભાજપની 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર નવા 27 ચહેરાનો સમાવેશ
 

માત્ર નવ ઉમેદવારોને જ રિપિટ કરાયા

ડૉ. નિર્મલા વાધવાની સહિત 11 ધારાસભ્યેની ટિકિટ કપાઈ : પૂર્વ પ્રધાન મંગુભાઈ પટેલની પણ બાદબાકીઅમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.18 : ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાની 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ અગાઉ ભાજપે 70 ઉમેદવારો જાહેર કર્યા હતા જે મળીને હવે કુલ 106 ઉમેદવારોની  જાહેરાત કરવામાં આવી છે.  હજુ 76 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત બાકી છે, જે હવે પછી જાહેર કરાશે. આજે જાહેર કરાયેલી યાદીમાં મુખ્યત્વે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને વટવાની બેઠક પરના ઉમેદવાર જાહેર કરાયા છે એવી જ રીતે  પાણીપુરવઠા પ્રધાન બાબુભાઇ બોખીરિયાને પોરબંદરની બેઠક પરના ઉમેદવાર જાહેર કરાયા છે. આજની યાદીમાં ચાર મહિલાઓને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. જેમાં ડૉ. નીમાબેન આચાર્ય (ભુજ) ઉપરાંત ત્રણ નવા ચહેરા માલતીબેન કે. મહેશ્વરી (ગાંધીધામ), ગીતાબા જાડેજા (ગોંડલ) અને હંસાકુંવરબા રાજ (આંકલાવ)નો સમાવેશ થાય છે. જોકે, કૉંગ્રેસ દ્વારા હજુ સુધી કોઇ પણ પ્રકારની ઉમેદવારોની યાદી જાહેર કરી શકાઇ નથી. આમ, ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર રાજકીય પ્રેશર લાવવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. 

આજે જાહેર થયેલી 36 ઉમેદવારોની યાદીમાં 27 નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. જ્યારે માત્ર 9 ઉમેદવારોને જ રિપિટ કરાયા છે. રિપિટ કરાયેલા ઉમેદવારેમાં  ડૉ. નીમાબેન આચાર્ય (ભુજ), કીર્તિંસિંહ વાઘેલા (કાંકરેજ), પ્રદીપસિંહ જાડેજા (વટવા), જગદીશભાઇ પંચાલ (નિકોલ), ભૂષણ ભટ્ટ (જમાલપુર ખાડિયા), જીતુભાઇ સોમાણી (વાંકાનેર), બાબુભાઇ બોખીરિયા (પોરબંદર) અને કેસરીસિંહ સોલંકી (માતર)નો સમાવેશ થાય છે. 

વર્તમાન રૂપાણી સરકારમાં મહિલા અને બાળ વિકાસપ્રધાન અને નરોડાના ધારાસભ્ય ડૉ. નિર્મલા વાઘવાની સહિત 11 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં રમેશ મહેશ્વરી (ગાંધીધામ), શામજીભાઇ ચૌહાણ (ચોટીલા), ભવાનજીભાઇ મેતાલિયા (ટંકારા), જયરાજસિંહ જાડેજા (ગોંડલ), પ્રવીણભાઇ માંકડિયા (ધોરાજી), મેઘજીભાઇ અમરાભાઇ ચાવડા (કાલાવાડ), બાલકૃષ્ણ પટેલ (ડભોઇ), રણજિત ગીલીટવાલા (સુરત ઇસ્ટ), મંગુભાઇ પટેલ (ગણદેવી) અને સંજયભાઇ પટેલ (ખંભાત)નો સમાવેશ થાય છે.  અહીં નોંધવું ઘટે કે, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાલ જેલમાં હોવાથી તેમના સ્થાને તેમની પત્ની ગીતાબાને ટિકિટ આપવામાં આવી છે.              

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer