મિસ ઇન્ડિયા માનુષીએ જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ

મિસ ઇન્ડિયા માનુષીએ જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ


ચીનમાં યોજાયેલી પ્રતિયોગિતામાં 118 પ્રતિસ્પર્ધીને પાછળ છોડયા : બીજા નંબરે મિસ મેક્સિકો, મિસ ઈંગ્લૅન્ડ ત્રીજા ક્રમાંકેનવી દિલ્હી, તા. 18 : ભારતીય મહિલાએ સુંદરતાની બાબતમાં વધુ એક વખત વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. ચીનમાં ચાલી રહેલી મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં  ભારતની મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને મિસ વર્લ્ડ 2017 ઘોષિત કરવામાં આવી છે. આ પ્રતિયોગિતામાં દુનિયાની 118 ખુબસુરત યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં માનુષીએ તમામને પાછળ છોડીને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. માનુષી હરિયાણાના સોનીપત શહેરની  છે. 

મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં બીજા ક્રમાંકે મિસ મેક્સિકો અને ત્રીજા નંબરે મિસ ઈંગ્લેન્ડ રહી હતી. મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ. માનુષી પહેલા  2000ની સાલમાં બોલિવુડ અને હોલિવુડની સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભારત તરફથી મિસ વર્લ્ડ બની હતી. 20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે. તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે. મિસ વર્લ્ડ બનવું એ માનુષની બાળપણથી સપનું હતું. મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે.

ભારતની મિસ વર્લ્ડ

રીતા ફારિયા             1966

એશ્વર્યા રાય              1994

ડાયના હેડન             1997

યુક્તા મુખી               1999

પ્રિયંકા ચોપરા           2000

માનુષી છિલ્લર          2017  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer