ગોરેગામ નજીક રેલવે અકસ્માતમાં ત્રણ મજૂર મહિલાનાં મોત : એક ઘાયલ

ગોરેગામ નજીક રેલવે અકસ્માતમાં ત્રણ મજૂર મહિલાનાં મોત : એક ઘાયલ

અમારા  પ્રતિનિધિ તરફથી
મુંબઈ,  તા. 18 : આજે શનિવારે બપોરે મલાડ-ગોરેગામ રેલવે ટ્રેક પર ચાર મજૂર મહિલાઓ બાંદરા-ઇન્દોર એક્સ્પ્રેસ ટ્રેનની હડફેટે આવી જવાથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ગંભીર ઈજા પામેલી ચોથી મહિલાને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
આ માહિતી આપતાં મલાડ સ્ટેશનના મૅનેજર પ્રભાત દુબેએ જણાવ્યું કે મહિલાઓ પાંચમાં નંબરના ટ્રેક પરથી ચાલી રહી હતી ત્યારે આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી.
તેમણે કહ્યું હતું કે સૌ પહેલાં અમે ઘાયલ મહિલાને સ્ટ્રેચર પર લઈને શતાબ્દી હૉસ્પિટલમાં ખસેડી હતી.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ગજાનન મહાતપુરકરે જણાવ્યું હતું કે બધી મહિલાઓ કૉન્ટ્રેક્ટ મજૂર હતી. 
તેઓ રેલવેની કર્મચારી નહોતી. ઘટનાસ્થળથી તેમના કામની જગ્યા ઘણી દૂર હતી અને તેઓ રેલવેના પાટા ક્રોસ કરીને ત્યાં જઈ રહી હતી.
મૃતકોમાં અનિતા શિંદે (32), જયા રાજુ ખટવાસે (35) અને શિવાની ગજાનન ભોર્યાલય (18)નો સમાવેશ થાય છે. ગંભીર ઈજા પામનારી મહિલાનું નામ સુનિતા ગજાનન ભોર્યાલય (35) છે. આ તમામ મહિલાનું મૂળ વતન મધ્યપ્રદેશ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer