કાશ્મીરથી ઉ.ભારતમાં હિમવર્ષા

કાશ્મીરથી ઉ.ભારતમાં હિમવર્ષા

અનેક વિસ્તારોમાં માઇનસ તાપમાન, ઘણા રાજમાર્ગો બંધ થયા: પ્રવાસીઓ અટવાયા
 
નવી દિલ્હી, તા. 18: હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષા જારી રહી છે જેથી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. આ રાજ્યોમાં પ્રવાસમાં ગયેલા લોકો હવે તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પહાડી વિસ્તારોમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ અને ગુરેજ રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. હિમાચલપ્રદેશમાં શુક્રવાર અને આજે શનિવારે પણ હિમવર્ષા જારી રહી હતી. હિમાચલના રોહતાંગ પહાડી વિસ્તારોમાં 25 સેન્ટીમીટરથી વધારે હિમવર્ષા થઇ છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે.
દરમિયાન દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદ બાદ હવામાનમાં પલટાની સ્થિતી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. દિલ્હીમાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. 
લાહોલ-સ્પીતિ જિલ્લાના પ્રવેશ દ્વાર કોકસરમાં ભારે વરસાદના કારણે 60થી વધુ લોકો ફસાઇ ગયા છે. આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજા બાજુ પ્રવાસીઓ માટે હાલમાં કેટલીક સુચના જારી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ હાલમાં પ્રતિકુળ સંજોગોને કારણે હોમ સ્ટે અથવા તો અન્ય જગ્યાએ આશરો લઇ રહ્યા છે. 
 દરમિયાન જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના જુદા જુદા ભાગોમાં આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. લોકો પણ હવે સાવધાન થઇ ગયા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં દર વર્ષે તાપમાન માઇનસમાં પહોંચી ગયા બાદ કેટલાક ખાસ પગલા લેવામાં આવે છે. માઇનસ 15થી પણ ઉપર તાપમાન પહોંચી શકે છે. હવામાનની સ્થિતી બદલાઇ ગયા બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો હવે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. સમગ્ર જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડ હાલમાં કાતિલ ઠંડીના સકંજામાં છે. કેટલીક જગ્યાએ સ્કુલોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer