લવ-જેહાદ માટે પતિએ બે વાર ઝેર આપ્યું : પૂર્વ મોડેલનો આરોપ

લવ-જેહાદ માટે પતિએ બે વાર ઝેર આપ્યું : પૂર્વ મોડેલનો આરોપ
 
મુંબઈ, તા. 18 : મુંબઈમાં એક મોડેલે તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યો છે. રશ્મિ શહબાજકર નામની આ મોડેલે આક્ષેપ કર્યો છે કે તેના પતિ ધર્મપરિવર્તન માટે મારા પર દબાણ કરે છે અને તેમણે જ મારા પુત્રનું અપહરણ કર્યું છે. રશ્મિની ફરિયાદ બાદ પતિ સહિત અન્ય બે જણ સામે બાંદરા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રશ્મિ શહબાજકરનાં લગ્ન 13 વર્ષ પહેલાં આસીફ શહબાજકર સાથે થયાં હતાં. ત્યારે તેણે પત્નીને કહ્યું હતું કે તું લગ્ન પછી પણ હિન્દુ જ રહીશ અને ધર્મપરિવર્તન માટે કોઈ દબાણ કરવામાં આવશે નહીં એમ ફરિયાદમાં પત્નીએ જણાવ્યું છે. જોકે લગ્નનાં થોડાં વર્ષમાં જ આસીફે ધર્માંતર માટે પોતાના  પર દબાણ કર્યું હતું અને ઇનકાર કરતાં તેને ભારે મારપીટ કર્યાનો દાવો રશ્મિએ કર્યો છે. બાંદરાની ન્યૂ ગાર્ડન વ્યૂ બિલ્ડિંગમાં રશ્મિ શહબાજકર રહે છે.
પોલીસે કલમ 354, 509, 324, 323 હેઠળ ગુનો નોંધ્યો છે અને આ પ્રકરણ `લવ જિહાદ'નું તો નથીને તેની તપાસ કરી રહી છે.
રશ્મિનું કહેવું છે કે, આસિફે પહેલાં તેનું જીવન બરબાદ કર્યું અને હવે તે બીજી હિન્દુ છોકરી સાથે પ્રેમનું નાટક કરીને તેનો પણ ધર્મ બદલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની પાસે આ વિશેનો પુરાવો પણ છે. તે આ બધુ લવ-જેહાદ માટે કરી રહ્યો છે.
મોડેલનું એવું પણ કહેવું છે કે, જ્યારે તેણે આ વાત માટે ના પાડી તો તેને બે વાર ઝેર આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આરોપ છે કે આસિફનો એક મિત્ર મુનીર પણ આ ખેલમાં સામેલ છે. આસિફની ઉંમર 47 વર્ષ છે જ્યારે તે જે છોકરીને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેની ઉંમર માત્ર 28 વર્ષ છે.
ફરિયાદ કરતા જીવથી મારવાની આપી ધમકી
રશ્મિનો આરોપ છે કે, જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો આસિફ અને તેના મિત્રએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી છે.  આ દરેક આરોપો વિશે હજુ આસિફ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રશ્મિની ફરિયાદથી બાંદરા પોલીસ સ્ટેશનમાં આસિફ અને તેના મિત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer