એક અબજ આધારને એક અબજ બૅન્ક ખાતાં અને મોબાઈલ સાથે જોડવાની યોજના

એક અબજ આધારને એક અબજ બૅન્ક ખાતાં અને મોબાઈલ સાથે જોડવાની યોજના
 
મૂડી'સના રેટિંગ સુધર્યા બાદ આર્થિક નિર્ણયોની અસરકારકતા પર મોદી સરકારની નજર

નવી દિલ્હી, તા. 18 : વિશ્વ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં 30 ક્રમાંકની હરણફાળ અને હવે મુડીઝના રેટિંગ અપગ્રેડથી ઉત્સાહિત મોદી સરકાર એક અબજ + એક અબજ + એક અબજની અનોખા અને મહત્વાકાંક્ષી યોજના ઉપર આગળ વધવાની વિચારણા કરી રહી છે. આ યોજના હેઠળ એક અબજ આધારને એક અબજ બેન્ક ખાતા અને મોબાઈલ સાથે જોડવાની કામગીરી કરવામાં આવશે. 
મુડીઝે સરકારના નોટબંધી અને જીએસટી સહિતના આર્થિક નિર્ણયોની પ્રશંસા કરી છે. આ પ્રશંસા બાદ હવે સરકાર આર્થિક પારદર્શકા ઉપર વધારે અસરકારક કામગીરી કરવાની વિચારણા કરી રહી છે. જેના અંતર્ગત એક અબજ યુનિક નંબરોને બેન્ક ખાતા અને મોબાઈલ સાથે જોડવાની દિશામાં નિર્ણયો લેવામાં આવશે. નોટબંધી બાદ મોટી નોટો ચલણમાંથી બહાર થઈ જતા બેન્ક ખાતા ખોલાવવા અને ડિજિટલ પેમેન્ટના વધતા ચલણને કારણે આ લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. 1+1+1 નો આ આંકડો ખુબ ઝડપથી પાર પડી જશે તેવી ચર્ચાએ અત્યારે સરકારમાં જોર પકડયું છે. 
મોદી સરકાર નોટબંધી અને જીએસટીના નિર્ણયોમાં સકારાત્મક પાસા શોધી રહી છે. તેવામાં મુડીઝે રેટિંગ અપગ્રેડ કરતા જીએસટી અને નોટબંધીને અર્થવ્યવસ્થાને પારદર્શક અને મજબુત બનાવવા માટે યોગ્ય નિર્ણયો ગણાવ્યા છે. આ ઉપરાંત નોટબંધી બાદ ચલણમાં રહેલી નોટોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. આ સ્થિતીમાં ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે. તેમજ ભારતમાં કેશલેસ અર્થતંત્ર ઉભું કરવાની દિશામાં અસર દેખાઈ રહી છે. હવે ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધતા એક અબજ આધારને એક અબજ બેન્ક ખાતા અને મોબાઈલ સાથે જોડવાની દિશામાં વધું અસરકારક રીતે કામગીરી કરવામાં આવશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer