ચિરાગ પછી હવે કેતન પટેલ અને અમરીશ પટેલ ભાજપમાં જોડાયા


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : વિધાનસભાની ચૂંટણી  જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઊથલપાથલ વધારે જોવા મળી રહી છે. પાસ કન્વીનરો એક પછી એક ભાજપમાં જોડાઇ રહ્યો છે ત્યારે પાસમાં તડા પડવાના શરૂ થઇ ગયા છે. થોડા સમય પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજદ્રોહના આરોપી ચિરાગ પટેલ અને મહેશ પટેલે પણ બે દિવસ પહેલા કેસરીયા કર્યા હતા અને હવે હાર્દિક પટેલના એક સમયના ખાસ નજીકના ગણાતા પાસના પૂર્વ કન્વીનર કેતન પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે. કેતન પટેલ રાજદ્રોહના કેસમાં આરોપી હોવા ઉપરાંત સાક્ષી પણ છે. આ ઉપરાંત રાજદ્રોહ કેસ સાથે સંકળાયેલા અમરીશ પટેલ પણ તેમના 150 જેટલા સમર્થકો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા અને તેમને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ભાજપનો કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.  
અત્રે નોંધવું ઘટે કે, પાસના કન્વીનર અમરીશ પટેલ સામેના રાજદ્રોહના કેસમાં હજુ સુધી તેમની ધરપકડ થઇ નથી. અમરીશ પટેલનો પાટીદાર આંદોલનમાં મહત્વપૂર્ણ ફાળો છે. ભાજપમાં જોડાતા જ અમરીશ પટેલે પાસ અને હાર્દિક પર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું કે, અનામત આંદોલન ભટકી ગયું છે એટલે હું ભાજપમાં જોડાયો છું. 
જ્યારે કેતન પટેલે પાસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાસના હાલના કન્વિનરે પાટીદાર આંદોલન ચલાવનાર કન્વિનરોને સાઇડટ્રેક કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, દિનેશ બાંભણિયાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાના આદેશ આપ્યા હતા. આ બન્ને ભાજપમાં જોડાતા પાસમાં એક મોટું ગાબડું પડવાની તૈયારીમાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer