ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે ભાજપ અને કૉંગ્રેસે મુંબઈથી નેતાઓ અને કાર્યકરોની ફોજ ઉતારી


મુંબઈ, તા. 18 : આગામી મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં કૉંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે મુખ્ય લડત હોવાથી બન્ને પક્ષોએ મતદારોને રિઝવવા અને પ્રચારાર્થે મુંબઈથી તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને ઉતાર્યા છે.
ભાજપે ગુજરાતી બોલતાં લગભગ 100 પ્રર્વતમાન વિધાનસભ્યો, નગરસેવકો અને કાર્યકર્તાઓને સુરત અને રાજ્યના અન્ય વિભાગમાં મોકલ્યા છે, જ્યારે મુંબઈના કૉંગ્રેસ એકમે દક્ષિણ ગુજરાતમાં 200 કાર્યકર્તાઓને મોકલવાની જાહેરાત કરી છે.
ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર પક્ષના કાર્યકર્તાઓ સાથે સુરતમાં પ્રચાર કરે છે.
ગુજરાતી બોલતાં મંગલપ્રભાત લોઢા, રાજ પુરોહિત, યોગેશ સાગર અને મનોજ કોટક સહિત કેટલાક સિનિયર નગરસેવકો ગુજરાતના અન્ય ભાગોમાં પ્રચાર કરશે.
ભાજપની મુંબઈની ટીમને મિસ્ડ-કોલનો પ્રારંભ કરવા જણાવ્યું છે જે બે વર્ષ અગાઉ નવા મતદાતાઓને આકર્ષવા શરૂ કરાઈ હતી. ચૂંટણીના દિવસે પહેલાં બે કલાકમાં તેઓ મતદાન કરે તે માટે અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે આ મતવિભાગમાં મતદાતા દીઠ લગભગ એક કાર્યકરને ઉતાર્યો છે એમ મુંબઈના ભાજપના નેતાએ જણાવ્યું હતું.
કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં 200 કાર્યકરોને મોકલાવશે. કૉંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીને ટેકો વધી રહ્યો છે. અમે ગુજરાતના મતદાન ક્ષેત્રમાં આગામી ત્રણ સપ્તાહ માટે પ્રચાર કરીશું. શિવસેના વિશેષરૂપે ગુજરાતના મરાઠી મતદાતા વિસ્તારમાં 50 ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારે તેવી શક્યતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer