મહેસાણામાં નીતિન પટેલના સમર્થનમાં પાટીદારોએ બાઇક રેલી યોજી

 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : ભાજપ દ્વારા પહેલી યાદીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મહેસાણાની વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પાટીદાર સમાજના લોકો દ્વારા મહેસાણામાં આજરોજ પાટીદાર એકતા બાઇક રેલી યોજાઇ હતી. આ રેલીમાં હજારે પાટીદારો બાઇક સાથે જોડાયા હતા. રેલી બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સભાને સંબોધી હતી. જેમાં તેમણે પાટીદાર સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના ડીએનએવાળા કોંગ્રેસનું નિવેદન નીમ્ન કક્ષાનું હતું. 
નીતિન પટેલે પાટીદાર સંકલન સમિતિ દ્વારા યોજાયેલી રેલી અંગે આભાર માનતા જણાવ્યું હતું કે, આ રેલી પાટીદાર સમાજનું ભવિષ્ય ઘડનારી છે. આ રેલી માત્ર નીતિન પટેલની નહીં ગુજરાતના ભવિષ્ય માટેની છે. તેમણે કહ્યું કે, પ્રજાલક્ષી, વ્યક્તિલક્ષી કામ કરવાની મારી ફરજ છે. તમામ સમાજના કામો કર્યા છે. પાટીદારોની  નારાજગી અંગે તેમણે કહ્યું કે, ઘરના છોકરાને ઠપકો જ આપવાનો હોય. 
તેમણે  નર્મદા યોજના સંબંધે કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસનું રાજ હતું. ઇન્દીરાજીનું એક ચક્રી શાસન ચાલતુ હતું. ઇન્દિરાજીએ ધાર્યુ હોત તો નર્મદા યોજના વહેલી પૂરી થઇ હોત પરંતુ આ માટે ઇચ્છા શક્તિ જરૂરી છે.  તેમણે કહ્યું કે, 42 વર્ષ સુધી સરદાર પટેલને ભારત રત્ન નહોતો આપ્યો. સંસદમાં સરદાર પટેલનો ફોટો પણ નહોતો લગાવ્યો. ત્યારે વિશ્વમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ છે. ભાજપ અને પાટીદાર એક સિક્કાની બે બાજુ હંમેશાં છે અને રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer