કૉંગ્રેસ અને પાસની મંત્રણા ફરી વેગવંતી બને તેવા સંકેત


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.18 : કોંગ્રેસ અને પાસની ભાંગી પડેલી મંત્રણા પ્રયાસો બાદ ફરી પાટે ચડે તેવા સંકેત મળી રહ્યા છે. પાસના અગ્રણી લલિત વસોયાના જણાવ્યા પ્રમાણે, સમગ્ર અનામત મામલે પહેલા હાર્દિક પટેલ સાથે બેઠક યોજવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવશે. ગઇકાલે રાત્રે જે ઘટના બની તે અંગેની ગેરસમજ દૂર કરવામાં આવશે. એક એવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે કે, પડી ભાંગેલી બેઠકને ફરી વેગવંતી કરવા માટે હાર્દિકે કોંગ્રેસના હાઇ કમાન્ડના નેતાઓ સાથે વાતચીત કરી છે. 
ઉલ્લેખનીય છે કે, પાસના અગ્રણીઓ કોંગ્રેસ હાઇ કમાન્ડ સાથે બેઠક માટે દિલ્હી ગયા હતા. જો કે બેઠક થઇ ન હોવાના આરોપ સાથે પાસના અગ્રણી દિનેશ બાંબણિયાએ કોંગ્રેસ પર સમય ન આપવાનો આક્ષેપ લગાવ્યો હતો. બેઠક ન કરી કોંગ્રેસ પાટીદારોનું અપમાન કર્યુ હોવાનું કહેતા કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેથી એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે, પાસ અને કોંગ્રેસની બેઠક પડી ભાંગી હોય પરંતુ બન્ને પક્ષોના પ્રયાસ બાદ ફરી બેઠકનો દોર શરૂ થાય તેવા સંકેત મળી રહ્યા છે.
દરમિયાન  આજે દિનેશ બાંભણિયા અને લલિત વસોયા સહિત પાસના અગ્રણીઓ દિલ્હીથી વડોદરા પરત ફર્યા હતા. પાસના અગ્રણીઓ જે ફ્લાઇટમાં વડોદરા આવ્યા તેની સાથે કોંગ્રેસના નેતા અને કાયદાના જાણકાર કપીલ સિબ્બલ પણ વડોદરા આવ્યા હતા. કપિલ સિબ્બલે વડોદરામાં બૌધ્ધિકો સાથે બેઠક કરી હતી. જો કે કપિલ સિબ્બલે પાસના અગ્રણીઓ સાથેની બેઠક અંગે કંઇપણ કહેવાનું ટાળ્યું હતું. સિબ્બલે અનામત મામલે કોઇને કોઇ રિઝલ્ટ ચોક્કસ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer