નર્મદા મુદ્દે ગુજરાતને અન્યાય કરનારી કૉંગ્રેસને વિકાસની વાતનો અધિકાર નથી : સીતારામન

નર્મદા મુદ્દે ગુજરાતને અન્યાય કરનારી કૉંગ્રેસને વિકાસની વાતનો અધિકાર નથી : સીતારામન


અમારા  પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 11 : કેન્દ્રના સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન અને પરેશ રાવલ આજે અમદાવાદમાં ખોખરા, મણિનગર અને વટવા વિસ્તારોમાં ઘેર ઘેર ભાજપને મત આપવા માટે વિનંતી કરવા ફર્યાં હતાં. જેમાં પરેશ રાવલ સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.

નિર્મલા સીતારામને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજીને કૉંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે નર્મદા મુદ્દે કૉંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કૉંગ્રેસે નર્મદા મુદ્દે ગુજરાતને હંમેશાં અન્યાય કર્યો છે.

નર્મદા મુદ્દે ગુજરાતે વારંવાર કેન્દ્ર સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ તેમણે ગુજરાતના હિતમાં ક્યારેય નિર્ણય કર્યો નથી.

તેમણે કહ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ હંમેશાં ગુજરાત વિરુદ્ધ મત આપતા હતા. કૉંગ્રેસના સમયમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 51 કલાકના ઉપવાસ કરવા પડયા હતા અને તેઓ જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે માત્ર 17મા દિવસે નર્મદાના દરવાજાની મંજૂરી આપી હતી. નર્મદાની વાત કરવા માટે કૉંગ્રેસ પાસે હવે કશું બચ્યું નથી એટલે કૉંગ્રેસ નર્મદા મુદ્દે નફરતની વાત કરવાનું બંધ કરી દે અને લોકોને ભ્રમિત કરવાનું બંધ કરે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer